Raj Thackeray: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના અધ્યક્ષ રાજ ઠાકરેએ દેશના પ્રખ્યાત ધાર્મિક સ્થળો પર દાનમાં થતી ચોરીને લઈને એક મોટો અને સનસનાટીભર્યો દાવો કર્યો છે. મુંબઈમાં પાર્ટીની વિદ્યાર્થી પાંખ દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન બોલતા રાજ ઠાકરેએ આરોપ લગાવ્યો હતો કે મુંબઈના વિશ્વપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાંથી વાર્ષિક આશરે 18 કરોડના દાનની ચોરી થઈ રહી છે. આટલું જ નહીં, તેમણે અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાંથી પણ 1,400 કરોડની ચોરી થઈ હોવાનો ગંભીર દાવો કરીને રાજકીય ક્ષેત્રે ભારે ગરમાવો લાવી દીધો છે.
'આજકાલ મંદિરો પણ ભ્રષ્ટાચારથી મુક્ત નથી': રાજ ઠાકરે
પોતાના સંબોધનમાં રાજ ઠાકરેએ દેશની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, જ્યારે દેશનો નિરાશ યુવાવર્ગ શાંતિ અને આશાની શોધમાં મંદિરોની મુલાકાત લે છે, ત્યારે આ પવિત્ર પૂજા સ્થાનો પણ ભ્રષ્ટાચારથી સુરક્ષિત રહ્યા નથી. તેમણે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને આઠ ટ્રસ્ટીઓ દ્વારા લખાયેલા એક પત્રનો ઉલ્લેખ કર્યો હતો. રાજ ઠાકરેના જણાવ્યા મુજબ, સિદ્ધિવિનાયક મંદિરની દાનપેટીઓમાંથી પૈસા ચોરતા કેટલાક કર્મચારીઓ ટ્રસ્ટીઓની સતર્કતાને કારણે પકડાયા હતા.
તેમણે ઉમેર્યું કે આ ચોરીનો પર્દાફાશ થયો તે પહેલાં મંદિરની સાપ્તાહિક દાનની આવક 50 લાખથી ઓછી દર્શાવવામાં આવતી હતી, પરંતુ ગરબડ પકડાયા બાદ આ રકમ સીધી વધીને 1.5 કરોડ થઈ ગઈ હતી. તેના આધારે તેમણે ગણતરી દર્શાવી કે દર વર્ષે લગભગ 18 કરોડની મોટી રકમ ચોરાઈ રહી હતી. તેમણે આ ગંભીર મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાત્કાલિક ધ્યાન આપે તેવી પણ માંગ કરી છે.
મંદિર ટ્રસ્ટ અને પોલીસની કાર્યવાહી
રાજ ઠાકરેના આ તીખા આરોપો બાદ સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ અને શિવસેના નેતા સદા સર્વાંકરે સ્પષ્ટતા આપી હતી. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે આ મામલે મંદિર ટ્રસ્ટ બિલકુલ ગંભીર છે અને ગેરરીતિ કરનાર 9 કર્મચારીઓની ધરપકડ પણ કરવામાં આવી છે તેમજ કાયદેસરના કેસ નોંધવામાં આવ્યા છે. સર્વાંકરે દાનમાં થયેલા વધારાને ટ્રસ્ટના યોગ્ય સંચાલન અને પારદર્શક પ્રયાસોનું પરિણામ ગણાવ્યું હતું. તેમણે માહિતી આપી કે મંદિરની વાર્ષિક આવક બે વર્ષ પહેલાં 114 કરોડ હતી જે વધીને 182 કરોડ સુધી પહોંચી છે.
બીજી તરફ, અયોધ્યા રામ મંદિરમાં દાનની કથિત ચોરીના કેસમાં પણ પોલીસે કેટલાક આરોપીઓની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
