રાયબરેલીમાં ટ્રેન સામે કૂદીને મહિલાનો આપઘાત, ઘટના પહેલાંનો ફોટો વાયરલ થતાં ચકચાર

ઉન્નાવની મીનાક્ષી યાદવે રાયબરેલીમાં ટ્રેન નીચે આવી આપઘાત કર્યો. ઘટના પહેલાંનો ફોટો વાયરલ થતાં લોકોમાં રોષ, જો ફોટો પાડનારે મદદ કરી હોત તો જીવ બચી જાત.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 08 Sep 2026 05:19 PM (IST)Updated: Tue, 08 Sep 2026 05:19 PM (IST)
raebareli-train-suicide-viral-photo-before-death-sparks-outrage

Raebareli Train Accident News: આપણે એક એવા ડિજિટલ યુગમાં પ્રવેશી ચૂક્યા છીએ જ્યાં સામે દેખાતો માણસ મુશ્કેલીમાં હોય ત્યારે આપણો પહેલો હાથ તેને બચાવવા માટે લંબાવાને બદલે ખિસ્સામાંથી સ્માર્ટફોન કાઢવા તરફ જાય છે. ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ આખી માનવતાને ફરી એકવાર કઠોડામાં ઊભી કરી દીધી છે. જિંદગીથી હારી ગયેલી એક મહિલા રેલવે ટ્રેક પર બેસીને મોતની વાટ જોતી રહી, પણ આસપાસથી પસાર થતી નિષ્ઠુર દુનિયા તેને બચાવવાને બદલે તેનો ફોટો પાડવામાં વ્યસ્ત રહી.

શું છે સમગ્ર ઘટના?

બછરાવાથી રાયબરેલી તરફ નીલાંચલ એક્સપ્રેસ પોતાની પૂર્ણ ઝડપે દોડી રહી હતી. ટ્રેક પર 35 વર્ષની એક મહિલા એકદમ શાંત અને ગુમસુમ બેઠી હતી. તેના ચહેરા પરનો સન્નાટો સ્પષ્ટ કહી રહ્યો હતો કે તે કશાક ઊંડા માનસિક આઘાતમાં છે અને આપઘાત કરવા જઈ રહી છે. પણ દુઃખની વાત એ છે કે ત્યાંથી પસાર થનાર કોઈ વ્યક્તિએ તેને ટોકી નહીં, ટ્રેક પરથી દૂર ખસેડવાનો પ્રયાસ ન કર્યો.

કોઈ અજાણ્યા શખ્સે દયા દાખવવાને બદલે પોતાના કેમેરામાં એ મહિલાનો 'છેલ્લો ક્ષણ'નો ફોટો કેદ કર્યો. થોડી જ મિનિટોમાં નીલાંચલ એક્સપ્રેસ ધસમસતી આવી અને એ મહિલાનો દેહ બે ટુકડામાં વહેંચાઈ ગયો. ઘટનાસ્થળે જ તેનું કરૂણ મોત નિપજ્યું.

મોબાઈલ ફોને ખોલ્યું સરનામું

ઘટનાની જાણ થતાં જ જીઆરપી (ગવર્નમેન્ટ રેલવે પોલીસ)ના થાણા અધ્યક્ષ સચિન કુમાર પોલીસ કાફલા સાથે સ્થળ પર પહોંચ્યા હતા. ટ્રેક પરથી છિન્નભિન્ન હાલતમાં મળી આવેલા મૃતદેહ નજીકથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. પોલીસે એ જ મોબાઈલના સંપર્કો પરથી કૉલ કરીને ઘટનાની જાણ કરી ત્યારે મૃતકની ઓળખ છતી થઈ.

મૃતક મહિલા ઉન્નાવ જિલ્લાના મૌરાવા થાણા વિસ્તારમાં આવેલા લોહરામઉ (રાનીખેડા) ગામની રહેવાસી મીનાક્ષી યાદવ (ઉંમર 35 વર્ષ, પતિ વીરેન્દ્ર યાદવ) હોવાનું ખુલ્યું હતું.

વાયરલ ફોટો અને સમાજનો વરવો ચહેરો

મહિલાના મોત બાદ તરત જ સોશિયલ મીડિયા પર તેનો મોત પહેલાંનો ફોટો વાયરલ થવા લાગ્યો. આ ફોટો સામે આવતા જ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો એ ફોટોગ્રાફરે અડધી મિનિટ માટે ફોટો પાડવાની ઘેલછા બાજુ પર મૂકીને બૂમાબૂમ કરી હોત અથવા મહિલાનો હાથ પકડીને ટ્રેક પરથી બાજુ પર ખેંચી લીધી હોત, તો આજે એક 35 વર્ષની સ્ત્રીનો જીવ બચી ગયો હોત અને એક પરિવાર વિખેરાતાં રહી ગયો હોત.

પોલીસ તપાસના મુખ્ય બિંદુઓ

હાલમાં જીઆરપી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને રેલવે ટ્રેક ક્લિયર કરાવ્યો છે. પોલીસ હવે બે મુખ્ય પાસાં પર તપાસ ચલાવી રહી છે. પોલીસ તપાસ કરી રહી છે કે ઉન્નાવની રહેવાસી મીનાક્ષી ઘર છોડીને રાયબરેલી સુધી કેવી રીતે અને કેમ પહોંચી? આટલું આત્યંતિક પગલું ભરવા પાછળ કૌટુંબિક કલેશ હતો કે અન્ય કોઈ મજબૂરી? આ ઉપરાંત સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ કરનાર વ્યક્તિ કોણ છે?