રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટેક્સ સુધારા અને પેમેન્ટ સિસ્ટમ બિલને આપી મંજૂરી, જાણો UPI અને RuPay અંગે શું છે નવો નિયમ

સંસદમાં બિલ પર ચર્ચા દરમિયાન દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશવાસીઓને આશ્વાસન આપતા સ્પષ્ટ કર્યું હતું કે, સામાન્ય વપરાશકર્તાઓ માટે UPI ચૂકવણીઓ સંપૂર્ણપણે મફત જ રહેશે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 19 Aug 2026 10:58 AM (IST)Updated: Wed, 19 Aug 2026 10:58 AM (IST)
president-draupadi-murmu-approves-taxation-and-payment-systems-amendment-bill-2026-upi-mdr-charges
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

Payment and Settlement Systems Act: દેશની નાણાકીય પ્રણાલી અને ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે એક અત્યંત મહત્વપૂર્ણ કાનૂની બદલાવ સામે આવ્યો છે. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 'કરવેરા અને અન્ય કાયદા (સુધારા) અધિનિયમ, 2026' તથા 'ચુકવણી અને સમાધાન પ્રણાલી (સુધારા) અધિનિયમ, 2007' ને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. નોંધનીય છે કે સંસદના બંને ગૃહો દ્વારા ગત 10 ઓગસ્ટના રોજ આ મહત્વપૂર્ણ બિલો પસાર કરવામાં આવ્યા હતા, જેને હવે રાષ્ટ્રપતિની મહોર મળતાં કાયદાનું સ્વરૂપ પ્રાપ્ત થયું છે.

UPI અને RuPay ડેબિટ કાર્ડ પર MDR ચાર્જ અંગે નવો નિયમ

ચુકવણી અને સમાધાન પ્રણાલી અધિનિયમમાં કરવામાં આવેલો આ નવો સુધારો સરકારને UPI અને RuPay કાર્ડ વ્યવહારો પર શુલ્ક વસૂલવા માટે એક મજબૂત કાનૂની આધાર પૂરો પાડે છે. આ કાયદા હેઠળ જારી થનારા સત્તાવાર નોટિફિકેશન દ્વારા સરકાર હવે નક્કી કરી શકશે કે કયા ચોક્કસ ઇલેક્ટ્રોનિક ચુકવણી મોડ્સ અથવા વ્યવહારોને 'મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ' (MDR) ચાર્જમાંથી મુક્ત રાખવા.

હાલની વ્યવસ્થા મુજબ, બેંકો અને પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઇડર્સ UPI અને RuPay ડેબિટ કાર્ડ દ્વારા થતી ચૂકવણીઓ માટે યુઝર્સ પાસેથી કોઈ ચાર્જ વસૂલ કરી શકતા નથી. પરંતુ હવે NPCI ની અધ્યક્ષતામાં કાર્યરત 'UPI અને સેવા સંચાલન સમિતિ' પાસે MDR શુલ્ક વસૂલવા અંગેના આખરી નિર્ણયો લેવાની સત્તા રહેશે.

સામાન્ય વપરાશકર્તાઓ માટે UPI ફ્રી રહેશે: નાણામંત્રી

સંસદમાં બિલ પર ચર્ચા દરમિયાન દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશવાસીઓને આશ્વાસન આપતા સ્પષ્ટ કર્યું હતું કે, સામાન્ય વપરાશકર્તાઓ માટે UPI ચૂકવણીઓ સંપૂર્ણપણે મફત જ રહેશે. ભવિષ્યમાં જો કોઈ MDR ચાર્જ લાગુ કરવામાં આવશે, તો તે માત્ર ચોક્કસ શ્રેણીના મોટા વ્યાવસાયિક અને કોમર્શિયલ વ્યવહારો પર જ લાગુ થશે.

વિદેશી રોકાણ અને ઉત્પાદનને પ્રોત્સાહન

બીજી તરફ, કરવેરા અને અન્ય કાયદા (સુધારા) કાયદાનો મુખ્ય હેતુ દેશમાં વિદેશી મૂડી રોકાણ આકર્ષવાનો, સ્થાનિક સ્તરે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનને વેગ આપવાનો અને વિદેશી ક્લાઉડ કંપનીઓ દ્વારા ભારતીય ડેટા સેન્ટરોના ઉપયોગને વધુ સરળ બનાવવાનો છે.

આ નવો કાયદો ગત 5 જૂન, 2026 ના રોજ જારી કરાયેલા વટહુકમનું સ્થાન લે છે. જેમાં સરકારી સિક્યોરિટીઝમાં રોકાણ દ્વારા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) ને મળતી વ્યાજની આવક અને કેપિટલ ગેઈન્સને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવી હતી. આ સિવાય, ભારતમાં મોબાઇલ ફોન, લેપટોપ, પર્સનલ કમ્પ્યુટર, ટેબ્લેટ, સર્વર અને તેના મુખ્ય સ્પેરપાર્ટ્સનું કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કરતી વિદેશી કંપનીઓને મળતી આવકવેરા મુક્તિની મુદત નાણાકીય વર્ષ 2040-41 સુધી લંબાવી દેવામાં આવી છે.