Independence Day 2026: દેશના 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે દેશની પ્રગતિ, સરહદી સુરક્ષા, યુવા શક્તિ, ન્યાય પ્રણાલી અને 'વિકસિત ભારત 2047'ના રોડમેપ અંગે વિગતવાર વાત કરી હતી. રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કર્યું હતું કે ભારત આજે દરેક ક્ષેત્રમાં મજબૂતીથી આગળ વધી રહ્યું છે અને દેશનો દરેક નાગરિક રાષ્ટ્રનિર્માણમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે.
પાકિસ્તાનને કડક સંદેશ અને 'ઓપરેશન સિંદૂર'નો ઉલ્લેખ
રાષ્ટ્રપતિ મુર્મુએ પાકિસ્તાન અને આતંકવાદ સામે ભારતની આક્રમક તથા સ્પષ્ટ નીતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 'ઓપરેશન સિંદૂર' એ આતંકી નેટવર્ક સામે સચોટ અને અસરકારક પ્રહારો કરવાની ભારતીય સશસ્ત્ર દળોની ક્ષમતા અને સામર્થ્યને સમગ્ર વિશ્વ સમક્ષ સાબિત કરી દીધું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આતંકવાદને આશ્રય આપનારા દેશ સામે 'સિંધુ જળ સંધિ' (Indus Water Treaty) સસ્પેન્ડ કરવાનો નિર્ણય રાષ્ટ્રીય હિતમાં લેવાયેલું એક અત્યંત નિર્ણાયક પગલું છે. આ નિર્ણયથી વિશેષ કરીને ભારતના ખેડૂતોના હિતોનું રક્ષણ થશે.
વિકસિત ભારત 2047 અને સમાન ન્યાય
આપણે વર્ષ 2047 સુધીમાં ભારતને 'વિકસિત ભારત' બનાવવાના લક્ષ્યાંક સાથે ઝડપથી આગળ વધી રહ્યા છીએ. રાષ્ટ્રપતિએ ન્યાય પ્રણાલી પર ભાર મુકતા જણાવ્યું હતું કે, ન્યાયતંત્ર અને કાયદા સાથે જોડાયેલા દરેક વ્યક્તિની એ પ્રાથમિક ફરજ છે કે દેશનો કોઈ પણ નાગરિક સંસાધનો કે આર્થિક અછતના કારણે ન્યાય મેળવવાથી વંચિત ન રહી જાય.
પરીક્ષાઓમાં પારદર્શિતા અને Gen-Zની તાકાત
યુવાનો અને શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલા સુધારાઓ અંગે વાત કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે- સરકાર સરકારી અને જાહેર પરીક્ષાઓમાં થતી ગડબડીઓ અને ગેરરીતિઓ અટકાવવા માટે કડક પગલાં ભરી રહી છે જેથી યુવાનોને પારદર્શક વાતાવરણ મળી શકે.
તાજેતરમાં માત્ર 28 વર્ષની સરેરાશ ઉંમર ધરાવતી યુવા ટીમ દ્વારા કરાયેલા સફળ સ્પેસ રોકેટ લોન્ચિંગનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ સિદ્ધિ ભારતની નવી પેઢી (Gen-Z) ની વાસ્તવિક તાકાત દર્શાવે છે.
78 વીરતા પુરસ્કારો
સ્વતંત્રતા દિવસ 2026ની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશની રક્ષા કરતા સુરક્ષા દળો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) ના જવાનો માટે 78 વીરતા પુરસ્કારો ને મંજૂરી આપી છે, જેમાં 13 મરણોત્તર પુરસ્કારોનો સમાવેશ થાય છે.
એવોર્ડ્સની વિગતવાર યાદી
- કીર્તિ ચક્ર: 9 (જેમાં 7 મરણોત્તર)
- શૌર્ય ચક્ર 'બાર' (Bar to Shaurya Chakra): 1
- શૌર્ય ચક્ર: 19 (જેમાં 1 મરણોત્તર)
- સેના મેડલ - વીરતા 'બાર': 5
- સેના મેડલ (વીરતા): ૩૬ (જેમાં ૫ મરણોત્તર)
- નૌસેના મેડલ (વીરતા): 3
- વાયુ સેના મેડલ (વીરતા): 5
રાષ્ટ્રપતિએ દેશની સરહદોની રક્ષા કરતા તમામ જવાનો અને દેશના વિકાસમાં યોગદાન આપતા તમામ નાગરિકોને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી.
