BJP Reaction on Rahul Gandhi Post: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટને કારણે દેશના રાજકારણમાં નવો વિવાદ ઊભો થયો છે. રવિવારે રાહુલ ગાંધીએ ભગવાન શિવ અને માતા પાર્વતીના અર્ધનારીશ્વર સ્વરૂપની તસવીર શેર કરીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર આકરા આક્ષેપો કર્યા હતા, જેના પર ભાજપના નેતાઓએ વળતો પ્રહાર કર્યો છે.
શું હતી રાહુલ ગાંધીની મૂળ પોસ્ટ?
રાહુલ ગાંધીએ 12મી સદીના એક મંદિરની પ્રાચીન મૂર્તિની તસવીર શેર કરી હતી, જે ભગવાન શિવ અર્ધનારેશ્વર રૂપમાં જોવા મળે છે. આ તસવીર સાથે રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસની વિચારધારા પર નિશાન સાધ્યું હતું. તેમણે પોતાના નિવેદનમાં આક્ષેપ કર્યો હતો કે આ સંગઠનો અસભ્ય, લોભી, જાતિવાદી અને પુરુષવાદી માનસિકતા ધરાવે છે અને તેમને ભારતની આધ્યાત્મિક તેમજ ધાર્મિક પરંપરાઓની કોઈ સમજ નથી.
રાહુલ ગાંધીએ આગળ લખ્યું હતું કે ડર, ગુસ્સા અને નફરતે ભાજપ અને સંઘના સમર્થકોની આસપાસ એક દીવાલ ઊભી કરી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે એક સાચા હિંદુ તરીકે તેમનું એ કર્તવ્ય છે કે તેઓ આ લોકોને આ જાળમાંથી મુક્ત કરે, જેથી તેઓ પણ પોતાના જીવનમાં પ્રેમ, લાગણી અને પોતાનાપણાની સુંદરતા તેમજ આનંદનો અનુભવ કરી શકે. પોતાની પોસ્ટના અંતે તેમણે 'સત્યમ શિવમ સુંદરમ' લખ્યું હતું.
ભાજપ પ્રવક્તા પ્રદીપ ભંડારીનો પલટવાર
રાહુલ ગાંધીની આ પોસ્ટ સામે આવતા જ ભાજપે આક્રમક વલણ અપનાવ્યું છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' (X) પર પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીના નિવેદનની ટીકા કરી હતી. ભંડારીએ આક્ષેપ કર્યો હતો કે રાહુલ ગાંધીના મનમાં સનાતન ધર્મ પ્રત્યે જન્મજાત નફરત ભરેલી છે અને તેઓ રાહુલ ગાંધીને જેટલા વધુ સાંભળે છે, તેટલું તેમને આ વાતનું વધુ અનુભવ થાય છે.
પ્રદીપ ભંડારીએ વધુમાં જણાવ્યું હતું કે દેશને એવા કોઈ વ્યક્તિના ઉપદેશોની જરૂર નથી, જેમણે વોટ બેંકની રાજનીતિ માટે હિંદુઓને હિંસક ગણાવ્યા હોય અને પાકિસ્તાનને ક્લીન ચિટ આપી હોય. આ સાથે જ તેમણે વિપક્ષી ગઠબંધન પર નિશાન સાધતા યાદ અપાવ્યું હતું કે આ જ ગઠબંધનના નેતાઓએ અગાઉ સનાતન ધર્મની સરખામણી ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી બીમારીઓ સાથે કરી હતી.
કંગના રનૌતે મહિલા અનામત મુદ્દે કોંગ્રેસને ઘેરી
બીજી તરફ, રાહુલ ગાંધીએ ભાજપ અને સંઘ પર પુરુષવાદી માનસિકતા ધરાવવાનો જે આરોપ મૂક્યો હતો, તેનો જવાબ ભાજપના સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે આપ્યો હતો. કંગના રનૌતે કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતા મહિલા અનામત વિધેયકનો વિરોધ કરવાનો અને તેના અમલીકરણમાં અવરોધ ઊભા કરવાનો આરોપ લગાવ્યો હતો.
કંગના રનૌતે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે જો ભાજપ ખરેખર પુરુષ-પ્રધાન વિચારધારા ધરાવતી પાર્ટી હોત, તો તે મહિલા અનામત બિલ પસાર કરાવવા માટે આટલી લડત શા માટે લડત? તેમણે સ્પષ્ટ શબ્દોમાં આક્ષેપ કર્યો હતો કે વાસ્તવમાં મહિલા-વિરોધી માનસિકતા કોંગ્રેસ પાર્ટીની છે, જે સતત આ બિલનો વિરોધ કરતી આવી છે. આ સમગ્ર ઘટનાક્રમ બાદ બંને પક્ષો વચ્ચે નિવેદનબાજી વધુ તેજ બની છે.
