PM Surya Ghar Yojana: કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી 'પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના' હેઠળ ઘરે-ઘરે સોલાર પેનલ લગાવવા માટે સબસીડી આપવામાં આવે છે, જેથી વધુમાં વધુ લોકો સ્વચ્છ ઉર્જા તરફ વળે અને વીજ બિલમાંથી મુક્તિ મેળવે. પરંતુ, કેટલાક લોકોએ જનહિતની આ યોજનાનો ખોટો ફાયદો ઉઠાવવાનું શરૂ કરી દીધું હતું.
આ યોજનાનો લાભ સામાન્યમાં સામાન્ય માણસ પણ લઈ શકે તે માટે બેંકો દ્વારા અત્યંત નજીવા (માત્ર 5.75%) વ્યાજ દરે લોન પૂરી પાડવામાં આવે છે. પરંતુ સબસીડીના પૈસા લોન ખાતામાં જમા કરાવવાના બદલે લોકો પોતાના પર્સનલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને અન્ય ઉપયોગમાં લેવા લાગ્યા હતા. હવે સરકારે આવા તત્વો પર કડક કાર્યવાહી કરતા સિસ્ટમમાં મોટો ફેરફાર કરી દીધો છે.
કેવી રીતે થતી હતી ગેરરીતિ?
ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ 3 કિલોવોટ (3kW)નો સોલાર પ્લાન્ટ લગાવે છે, તો તેનો અંદાજિત ખર્ચ ₹1,80,000 થાય છે.
ડાઉન પેમેન્ટ (10%): ₹18,000
બેંક લોનની રકમ: ₹1,62,000
મળવાપાત્ર સબસીડી (કેન્દ્ર + રાજ્ય): ₹1,08,000
સોલાર પ્લાન્ટ લાગી ગયા પછી મળતી ₹1,08,000ની સબસીડી જો લોન ખાતામાં જમા થાય, તો ગ્રાહક પર માત્ર ₹54,000ની લોન જ બાકી રહે છે. આ સિવાય બેંક ગ્રાહકોને 6 મહિના સુધી હપ્તો (EMI) ન ભરવાની છૂટ પણ આપતી હતી.
પરંતુ ઘણા લોકોએ સબસીડીના ₹1,08,000 પોતાના અંગત ખાતામાં લઈને વાપરી નાખ્યા અને બેંકનો લોનનો હપ્તો પણ ભરવાનું બંધ કરી દીધું. આના કારણે બેંકોના કરોડો રૂપિયા ફસાઈ ગયા હતા.
સરકારે સોફ્ટવેરમાં કર્યો બદલાવ
આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકારે હવે સોફ્ટવેરમાં ટેકનિકલ ફેરફાર કરી દીધો છે. હવે સોલાર પ્લાન્ટની સબસીડીની રકમ ગ્રાહકના સેવિંગ્સ એકાઉન્ટમાં જવાના બદલે સીધી તેના બેંક લોન એકાઉન્ટમાં જ જમા થશે. આનાથી લોનની બાકી નીકળતી રકમ તરત જ ઘટી જશે અને બેંક તથા સરકાર બંનેના નાણા સુરક્ષિત રહેશે.
બેંક અને નેડા (NEDA)ની સંયુક્ત કાર્યવાહી
3 કિલોવોટનો સોલાર પ્લાન્ટ લગાવ્યા પછી ગ્રાહકને દર મહિને ₹2,500 થી ₹3,000 સુધીની વીજળીની બચત થાય છે. આમ છતાં, કેટલાક લોકો બેંકનો નજીવો હપ્તો પણ ચૂકવતા નહોતા. હવે બેંકો અને 'નેડા' (NEDA) ભેગા મળીને આવા ડિફોલ્ટરોની યાદી તૈયાર કરી રહ્યા છે અને તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
વરિષ્ઠ પ્રોજેક્ટ ઓફિસર શશિ ગુપ્તાએ જણાવ્યું હતું કે - જનહિતની યોજના હોવાને કારણે બેંકો ખૂબ ઓછા વ્યાજે લોન આપે છે. સોલારથી દર મહિને હજારો રૂપિયાની બચત થવા છતાં લોકો હપ્તા ન ભરે તે ચલાવી લેવાય નહીં. આવા લોકો સામે બેંક સાથે મળીને કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે.
