PM Modi on Congress & Global Order: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દિલ્હીમાં એક પ્રાઇવેટ ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે દેશની રાજનીતિથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે બદલાતી વૈશ્વિક વ્યવસ્થા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને વૈશ્વિક સ્તરે ભારતની વધતી ભૂમિકા જેવા ગંભીર મુદ્દાઓ પર ખુલીને પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષી પાર્ટી કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા.
વૈશ્વિક વ્યવસ્થા બદલાઈ રહી છે, યુએન જેવી સંસ્થાઓ સંઘર્ષ કરી રહી છે
કાર્યક્રમમાં બોલતા વડાપ્રધાને જણાવ્યું હતું કે આજની આખી વૈશ્વિક વ્યવસ્થા ઝડપથી બદલાઈ રહી છે, પરંતુ યુનાઇટેડ નેશન્સ (UN) જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આ બદલાવ સાથે કદમ મિલાવવામાં મુશ્કેલી અનુભવી રહી છે. તેમણે ઈશારો કરતા કહ્યું કે આજે વ્યાપાર, ટેકનોલોજી અને દરિયાઈ માર્ગો (Sea Routes)નો ઉપયોગ હથિયાર તરીકે કરવામાં આવી રહ્યો છે.
બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાએ સન્માન, સહયોગ અને વિવાદોના ઉકેલ માટે યુએનની સ્થાપના કરી હતી. તે સમયે યુએને પોતાની સાર્થક ભૂમિકા ભજવી પણ હતી, પરંતુ આજના સમયના પડકારો તદ્દન બદલાઈ ગયા છે. જ્યારે દુનિયાની સમસ્યાઓ બદલાઈ જાય અને તેના ઉકેલ લાવવાની પદ્ધતિ ન બદલાય, ત્યારે મોટી ખાઈ પેદા થાય છે. આજે બરાબર એ જ સ્થિતિ જોવા મળી રહી છે.
'કોંગ્રેસ એક પરજીવી (Parasite) જેવી છે'
કોંગ્રેસ પાર્ટી અને તેના નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા પીએમ મોદીએ ખૂબ જ આક્રમક ભાષાનો પ્રયોગ કર્યો હતો. તેમણે કહ્યું કે જ્યાં એક તરફ દુનિયા નવી વ્યવસ્થા અને સ્થિરતાની તલાશ કરી રહી છે, તો દેશમાં કેટલાક એવા લોકો પણ બેઠા છે જેઓ અરાજકતાનું સપનું જોઈ રહ્યા છે.
પીએમ મોદીએ કટાક્ષ કરતા સવાલ કર્યો કે આખરે કોંગ્રેસ ક્યાં સુધી કોઈ 'ફેઈલ પ્રોડક્ટ'ને વારંવાર લોન્ચ કરવાનો પ્રયાસ કરતી રહેશે? તેમણે ઉમેર્યું કે કોંગ્રેસ આજે એક પરજીવી (Parasite) જેવી બની ગઈ છે, જે બીજાને આગળ વધવા દેતી નથી. સત્તા ગુમાવ્યા બાદ કોંગ્રેસને આખી સિસ્ટમ એટલી ખરાબ લાગવા લાગી છે કે હવે તે આખી વ્યવસ્થાને જ નષ્ટ કરવા પર ઉતરી આવી છે.
ચાણક્યના 'મત્સ્ય ન્યાય'નો ઉલ્લેખ
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ પ્રાચીન ભારતીય અર્થશાસ્ત્રી આચાર્ય ચાણક્યનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે એક સંસ્કૃત મંત્ર ('अप्रणीतः तु मत्स्यन्यायमुद्भावयति') ટાંકીને સમજાવ્યું કે, જ્યારે કાયદો કે દંડ આપવાની યોગ્ય વ્યવસ્થા ન હોય, ત્યારે 'મત્સ્ય ન્યાય' પેદા થાય છે—જેનો અર્થ થાય છે કે મોટી માછલી નાની માછલીને ગળી જાય છે.
આજે દુનિયાને આવી કોઈ જંગલી વ્યવસ્થાની નહીં, પરંતુ એવી સિસ્ટમની જરૂર છે જે આ 'મત્સ્ય ન્યાય'ને અટકાવે. પીએમ મોદીએ ગર્વ સાથે કહ્યું કે ભારત આજે દુનિયાની સામે આ જ સંતુલિત ભૂમિકાને મજબૂતીથી રજૂ કરી રહ્યું છે. કોવિડ-19 મહામારીનું ઉદાહરણ આપતા તેમણે યાદ અપાવ્યું કે ભારતે 100થી વધુ દેશોને દવાઓ અને જરૂરિયાતમંદ રાષ્ટ્રોને ફ્રી રસી પહોંચાડીને પોતાની વૈશ્વિક જવાબદારી નિભાવી હતી.
ગ્લોબલ સાઉથ અને 'વિકસિત ભારત 2047'નું વિઝન
વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું કે બદલાતા સમયમાં 'ગ્લોબલ સાઉથ'ના અવાજને વૈશ્વિક મુખ્યધારામાં સામેલ કરવો અત્યંત આવશ્યક છે. વર્ષ 2047 સુધીમાં 'વિકસિત ભારત'ના સ્વપ્ન વિશે વાત કરતા તેમણે કહ્યું કે આ લક્ષ્ય માત્ર આપણા પોતાના દેશ માટે નથી, પરંતુ તે સમગ્ર દુનિયા માટે એક બહેતર ભવિષ્યની ગેરંટી છે.
આંતરરાષ્ટ્રીય સહયોગ માત્ર સારા સમય પૂરતો સીમિત ન હોવો જોઈએ, પરંતુ સંકટના સમયમાં પણ તે એટલો જ પ્રભાવી સાબિત થવો જોઈએ. ભારત દુનિયાને સંકટમાંથી બહાર લાવવા અને વૈશ્વિક સ્થિરતા માટે પોતાની ક્ષમતાઓને સતત મજબૂત કરી રહ્યું છે.
