PM Modi News: UNGA નું 80મું સત્ર 9 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ સત્ર દરમિયાન 23 થી 29 સપ્ટેમ્બર સુધી ઉચ્ચ સ્તરીય બેઠકો યોજાશે. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ની બેઠકમાં ભાગ લેવા માટે અમેરિકા નહીં જાય. તેમની જગ્યાએ હવે વિદેશ મંત્રી એસ. જયશંકર આ બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભારત અને અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવ દરમિયાન આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
પીએમ મોદી નહિ જાય અમેરિકા
UNGA બેઠકની શરૂઆત બ્રાઝિલના સંબોધનથી થશે, ત્યારબાદ અમેરિકા મહાસભાને સંબોધિત કરશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 23 સપ્ટેમ્બરે UNGA માં ભાષણ આપતા જોવા મળશે. મહત્વપૂર્ણ છે કે અગાઉ જુલાઈમાં UNGA વક્તાઓની જે યાદી જાહેર કરવામાં આવી હતી, તેમાં વડાપ્રધાન મોદીનું નામ પણ સામેલ હતું.
વડાપ્રધાન મોદી 26 સપ્ટેમ્બરે UNGA ને સંબોધિત કરવાના હતા. જો કે UNGA ની બેઠકની સુધારેલી યાદી સામે આવી છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર 27 સપ્ટેમ્બરે UNGA મહાસભાને સંબોધિત કરશે. નવી યાદીમાં વડાપ્રધાન મોદીની જગ્યાએ વિદેશ મંત્રી એસ જયશંકરનું નામ શામેલ કરવામાં આવ્યું છે. જોકે આ ફાઈનલ યાદી નથી અને તેમાં ભવિષ્યમાં પણ ફેરફારો શક્ય છે.