PM Modi Visit Manipur: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 સપ્ટેમ્બરે મિઝોરમની મુલાકાત લેવાના છે, જ્યાં તેઓ નવા બૈરાબી સૈરંગ રેલવેનું ઉદ્ઘાટન કરશે. મિઝોરમથી તેઓ મણિપુરની મુલાકાત લઈ શકે છે, જોકે આ અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. મિઝોરમ સરકારના ઘણા અધિકારીઓએ જણાવ્યું છે કે તેમને જાણકારી મળી છે કે વડાપ્રધાન આઈઝોલથી મણિપુર જઈ શકે છે.
પીએમ મોદી જઈ શકે છે મણિપુર
જો વડાપ્રધાન મોદી મણિપુરની મુલાકાત લે છે તો મે 2023માં રાજ્યમાં હિંસા ફાટી નીકળ્યા બાદ તેમનો આ પ્રથમ પ્રવાસ હશે. મણિપુરમાં મે 2023થી મૈતેયી અને કુકી સમુદાયો વચ્ચે થયેલી હિંસામાં ઓછામાં ઓછા 260 લોકો માર્યા ગયા છે અને હજારો લોકો બેઘર બન્યા છે. આ પીએમ મોદીના પ્રવાસને ધ્યાનમાં રાખીને મણિપુરના મુખ્ય સચિવ પુનીત કુમાર ગોયલે મંગળવારે અધિકારીઓ સાથે બેઠક કરીને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
મણિપુરના ડીજીપીએ જારી કર્યો આદેશ
પુનીત કુમાર ગોયલે જણાવ્યું કે આ પ્રવાસ દરમિયાન નવનિર્મિત સચિવાલય અને અન્ય પૂર્ણ થયેલી પરિયોજનાઓનું ઉદ્ઘાટન થઈ શકે છે. જોકે મુખ્ય સચિવે VVIPનું નામ જણાવ્યું નથી. વધુમાં મણિપુરના ડીજીપીએ 30 ઓગસ્ટે આદેશ જારી કર્યો છે કે 7 થી 14 સપ્ટેમ્બર દરમિયાન ડ્યુટીની અનિવાર્યતાને કારણે અત્યંત ઈમરજન્સી સિવાય કોઈપણ પોલીસ અધિકારી/કર્મચારીને રજા આપવામાં આવશે નહીં. આ આદેશ પણ પ્રસ્તાવિત ઉચ્ચ સ્તરીય મુલાકાત તરફ સંકેત આપે છે.