હવે દેશના ખેડૂતોનું ભાગ્ય બદલાશે, પીએમ કિસાન યોજનાના 21માં હપ્તા પહેલા વડાપ્રધાન મોદીએ બે મોટી યોજના શરૂ કરી

ખેડૂતોના કલ્યાણ અને કૃષિમાં આત્મનિર્ભરતા લાવવાના હેતુ સાથે આ બન્ને યોજનાઓ શરૂ કરવામાં આવી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 11 Oct 2025 04:04 PM (IST)Updated: Sat, 11 Oct 2025 04:04 PM (IST)
pm-modi-launch-pm-dhan-dhaanya-krishi-yojana-dalhan-atmanirbharta-mission
HIGHLIGHTS
  • 'પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના' અને 'દલહન આત્મનિર્ભરતા મિશન' લૉન્ચ
  • આ યોજનાઓ પાછળ રૂ. 35 હજાર કરોડથી વધુનો ખર્ચ થવાનો અંદાજ

Government Scheme For Agriculture Sector: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શનિવારે ખેડૂતો માટે બે મોટી મહત્વાકાંક્ષી યોજનાઓની શરૂઆત કરવામાં આવી છે. 'પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના' (Dhaanya Krishi Yojana) અને 'દલહન આત્મનિર્ભરતા મિશન' (Dalhan Atmanirbharta Mission) યોજના શરુ કરવાનો મુખ્ય હેતુ કૃષિ ક્ષેત્રને વધારે મજબૂત બનાવવાનો તેમજ ખેડૂતોને આર્થિક સહાય પુરી પાડવાનો છે.

આ બન્ને યોજનાઓને લૉન્ચ કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, 'પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના' અને 'દલહન આત્મનિર્ભરતા મિશન' યોજના ભારતના ખેડૂતોનું ભાગ્ય બદલવા માટેનું કામ કરશે. આ યોજના પાછળ સરકાર લગભગ 35 હજાર કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કરવાની છે.

છેલ્લા 11 વર્ષથી ભારતની કૃષિ નિકાસ લગભગ બે ગણી વધી ગઈ છે. દેશમાં અનાજનું ઉત્પાદન 900 લાખ મેટ્રિક ટન વધી ગયુ છે. જ્યારે ફળ અને શાકભાજીનું ઉત્પાદન 640 લાખ મેટ્રિક ટનથી વધારે વધ્યું છે.

વડાપ્રધાને ખેડૂતોના વધતા મહત્ત્વ તરફ ધ્યાન દોરતા જણાવ્યું કે, પહેલાથી ખેડૂત અને ખેતી આપણી વિકાસ યાત્રાનો એક મુખ્ય હિસ્સો રહી છે. આ ખૂબજ આવશ્યક છે કે, બદલાતા સમય સાથે ખેતી અને ખેડૂતને સરકારનો સહયોગ મળતો રહે.

બીજથી લઈને બજાર સુધી અગણિત સુધારા કરવામાં આવ્યા છે. જેના ફળસ્વરૂપ આજે દૂધ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે. માછલી ઉત્પાદનમાં પણ આપણો દેશ દુનિયામાં બીજા નંબરે છે. ભારતમાં મધનું ઉત્પાદન 2014ની સરખામણીએ બેગણું થઈ ગયું છે. દેશમાં 6 મોટી ફર્ટીલાઈઝર ફેક્ટરી બનાવવામાં આવી છે.

ખેડૂતોને 25 કરોડથી વધુ સૉઈલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે. દેશમાં 100 લાખ હેક્ટરમાં સુક્ષ્મ સિંચાઈની સુવિધા પહોંચી છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત લગભગ 2 લાખ કરોડ રૂપિયા ક્લેમના સ્વરૂપે ખેડૂતોને મળ્યા છે.

આ કાર્યક્રમમાં આવતા પહેલા વડાપ્રધાન મોદીએ અનેક ખેડૂતો અને માછીમારો સાથે વાત કરી હતી. PM મોદીએ કૃષિ ક્ષેત્રમાં કામ કરી રહેલી મહિલાઓના અનુભવ સાંભળ્યા હતા. વડાપ્રધાને જણાવ્યું કે, વીતેલા 11 વર્ષમાં એવી અનેક સિદ્ધિઓ છે, જે દેશના ખેડૂતોએ હાંસલ કરી છે.

આપણે વિકસિત બનવા માટે દરેક સેક્ટરમાં સતત સારું કરતા રહેવું પડશે, સુધાર કરવા જ પડશે. આ વિચાર સાથે જ પી.એમ. ધન ધાન્ય કૃષિ યોજના લાવવામાં આવી છે.

અગાઉ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ખેડૂતોને નવી યોજનાઓની વિગતોનો લાભ લેવા માટે અપીલ કરતા જણાવ્યું હતું કે, ખેડૂતોના કલ્યાણ અને કૃષિમાં આત્મનિર્ભરતા લાવવાના હેતુ સાથે આ બન્ને યોજનાઓ શરૂ કરવામાં આવી છે.