'ભારત સાથેના મતભેદો યોગ્ય રીતે ઉકેલીશું': BRICS સમિટમાં શી જિનપિંગની ભાગીદારી અગાઉ ચીનનું નિવેદન

ભારતમાં ચીનના રાજદૂતે 'X' પર એક પોસ્ટ શેર કરતા આ બેઠકની પુષ્ટિ કરી હતી. તેમણે લખ્યું કે બંને દેશો વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ શી વચ્ચેની આ દ્વિપક્ષીય બેઠકનું સફળ આયોજન કરી રહ્યા છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 12 Sep 2026 11:06 AM (IST)Updated: Sat, 12 Sep 2026 11:06 AM (IST)
pm-modi-and-xi-jinping-bilateral-meeting-brics-summit-delhi-china-ambassador-statement
પીએમ મોદી શી જિનપિંગ બેઠક

PM Modi Xi Jinping Meeting: ભારતમાં ચીનના રાજદૂત ઝુ ફેઇહોંગે જણાવ્યું છે કે, ચીન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગના માર્ગદર્શન હેઠળ ભારત સાથે મળીને કામ કરવા અને તમામ મતભેદોનું યોગ્ય નિરાકરણ લાવવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. નવી દિલ્હીમાં આયોજિત 18મી બ્રિક્સ (BRICS) સમિટમાં ભાગ લેવા માટે ચીનના રાષ્ટ્રપતિ ભારત આવી રહ્યા છે, તે પહેલાં જ ચીની રાજદૂતનું આ મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે.

સાત વર્ષ બાદ શી જિનપિંગની ભારત મુલાકાત

વડાપ્રધાન મોદીના ખાસ આમંત્રણ પર નવી દિલ્હીમાં યોજાનારી બ્રિક્સ સમિટ માટે રાષ્ટ્રપતિ શી જિનપિંગ બેઇજિંગથી રવાના થયા હતા. વર્ષ 2020માં થયેલી ગલવાન ખીણની સૈન્ય અથડામણ બાદ અને લગભગ સાત વર્ષના લાંબા ગાળા પછી શી જિનપિંગ પ્રથમ વખત ભારતની મુલાકાતે આવી રહ્યા છે. સાંજ સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે એક હાઇ-પ્રોફાઇલ દ્વિપક્ષીય બેઠક નિર્ધારિત કરવામાં આવી છે.

રાજદૂત ઝુ ફેઇહોંગની ટ્વિટર (X) પોસ્ટ

ભારતમાં ચીનના રાજદૂતે 'X' પર એક પોસ્ટ શેર કરતા આ બેઠકની પુષ્ટિ કરી હતી. તેમણે લખ્યું કે બંને દેશો વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ શી વચ્ચેની આ દ્વિપક્ષીય બેઠકનું સફળ આયોજન કરી રહ્યા છે. કાઝાન અને તિયાનજિનમાં યોજાયેલી બેઠકો બાદ બંને શીર્ષ નેતાઓ વચ્ચેની આ સતત ત્રીજી મહત્વપૂર્ણ મુલાકાત હશે.

મતભેદો ઉકેલવા અને સહયોગ વધારવાનો સંકલ્પ

ચીની રાજદૂતે ઉમેર્યું કે ચીન બંને નેતાઓના વ્યૂહાત્મક નિર્દેશોનું પાલન કરશે. દીર્ઘકાલીન અને વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી દ્વિપક્ષીય સંબંધોનું સંચાલન કરવામાં આવશે. સંવાદ વધારવો, આર્થિક તથા રાજદ્વારી સહયોગ મજબૂત કરવો, સરહદી અને અન્ય મતભેદોને યોગ્ય રીતે ઉકેલવા તેમજ એકબીજાની સફળતામાં સમાન ભાગીદાર તરીકે મિત્રતા જાળવી રાખવા ચીન ભારત સાથે કદમ મિલાવવા તૈયાર છે.

ગલવાન ઘટના બાદથી ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં ધીમે ધીમે સુધારો જોવા મળી રહ્યો છે. બંને નેતાઓ વચ્ચેની આ બેઠક દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ પહોંચાડવામાં અને સરહદી શાંતિ જાળવવામાં નિર્ણાયક સાબિત થશે.