આજથી 18મી BRICS સમિટનો પ્રારંભ: નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિશ્વના દિગ્ગજ નેતાઓનો જમાવડો, બપોરે પહોંચશે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ

આ સમિટમાં ભાગ લેવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એક દિવસ અગાઉ જ નવી દિલ્હી પહોંચી ચૂક્યા છે, જ્યારે વિશ્વભરના અગ્રણી નેતાઓનું પણ આગમન થઈ રહ્યું છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 12 Sep 2026 07:20 AM (IST)Updated: Sat, 12 Sep 2026 07:20 AM (IST)
18th-brics-summit-new-delhi-bharat-mandapam-pm-modi-xi-jinping-meeting
૧૮મી બ્રિક્સ સમિટ નવી દિલ્હી

18th BRICS Summit New Delhi: વૈશ્વિક રાજનીતિ અને મુત્સદ્દીગીરીની દ્રષ્ટિએ ભારત માટે આજનો દિવસ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો છે. નવી દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભવ્ય 'ભારત મંડપમ' ખાતે બે દિવસીય 18મી બ્રિક્સ (BRICS) સમિટનો ઔપચારિક પ્રારંભ થઈ રહ્યો છે. આ સમિટમાં ભાગ લેવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એક દિવસ અગાઉ જ નવી દિલ્હી પહોંચી ચૂક્યા છે, જ્યારે વિશ્વભરના અગ્રણી નેતાઓનું પણ આગમન થઈ રહ્યું છે.

સાત વર્ષ બાદ શી જિનપિંગનો ભારત પ્રવાસ

આ સમિટનું સૌથી મોટું આકર્ષણ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારત મુલાકાત છે. શી જિનપિંગ આજે બપોરે વિશેષ વિમાન દ્વારા નવી દિલ્હીના પાલમ એરફોર્સ સ્ટેશન ખાતે ઉતરાણ કરશે. વર્ષ 2019 પછી એટલે કે સાત વર્ષના લાંબા અંતરાલ બાદ ચીનના રાષ્ટ્રપતિની આ પ્રથમ ભારત મુલાકાત છે. સરહદી તણાવ બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારો લાવવા માટે આ મુલાકાત ખૂબ જ નિર્ણાયક માનવામાં આવી રહી છે.

PM મોદી અને શી જિનપિંગ વચ્ચે મહત્વની બેઠક

બ્રિક્સ સમિટના મુખ્ય કાર્યક્રમોમાં ભાગ લેવા ઉપરાંત, શી જિનપિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વાતચીતમાં પણ જોડાશે. બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાત અગાઉ ચીને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાનો સકારાત્મક સંદેશ આપ્યો છે.

ચીનના વિદેશ મંત્રાલયનું નિવેદન

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે બેઇજિંગ ખાતે પત્રકારોને જણાવ્યુ હતું કે બંને દેશોએ પોતાના મતભેદોને યોગ્ય રીતે ઉકેલીને વ્યૂહાત્મક અને દીર્ઘકાલીન દ્રષ્ટિકોણથી સંબંધોને આગળ વધારવા જોઈએ. તેમણે નોંધ્યું હતું કે PM મોદી અને શી જિનપિંગ સતત ત્રીજા વર્ષે મુલાકાત કરી રહ્યા છે, આ અગાઉ બંને નેતાઓ કઝાન અને તિયાનજિનમાં મળ્યા હતા. ચીન ભારત સાથે મળીને બંને નેતાઓના વ્યૂહાત્મક નિર્દેશોનો અમલ કરવા, પરસ્પર સંવાદ વધારવા અને સહયોગ મજબૂત કરવા ઈચ્છે છે.