18th BRICS Summit New Delhi: ભારતની યજમાની હેઠળ યોજાયેલી 18મી બ્રિક્સ (BRICS) સમિટના પ્રથમ સત્ર બાદ ભારતે એક મોટી રાજદ્વારી સિદ્ધિ હાંસલ કરી છે. વિવિધ વૈશ્વિક મુદ્દાઓ અને ભૂ-રાજકીય ખેંચતાણ વચ્ચે ભારત તમામ સભ્ય દેશોની સર્વસંમતિ સાથે 45 પાનાના 'નવી દિલ્હી ઘોષણાપત્ર'ને આખરી ઓપ આપવામાં સફળ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આ ઐતિહાસિક ઘોષણાપત્ર જારી કરવાની જાહેરાત કરી હતી.
પહલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા અને કડક સંદેશ
ભારત માટે સૌથી મહત્વની બાબત એ રહી કે આ ઘોષણાપત્રમાં 22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરવામાં આવી છે. આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવતા, બ્રિક્સ દેશોએ આતંકવાદીઓના સુરક્ષિત આશ્રયસ્થાનો, ટેરર ફંડિંગ અને સરહદ પારની આતંકવાદી અવરજવરને નાબૂદ કરવા માટે દ્રઢ પ્રતિબદ્ધતા દર્શાવી છે. ઘોષણાપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આતંકવાદને કોઈપણ ધર્મ કે સંસ્કૃતિ સાથે જોડી શકાય નહીં.
પશ્ચિમી દેશો અને ટેરિફ નીતિઓ પર પ્રહાર
વેપારના મોરચે 'નવી દિલ્હી ઘોષણાપત્ર' દ્વારા પશ્ચિમી દેશોને મજબૂત સંદેશ આપવામાં આવ્યો છે. યુરોપિયન યુનિયનના 'કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ' (CBAM) જેવા આબોહવા-સંબંધિત વેપાર પગલાંની પ્રથમ વખત ખુલ્લેઆમ નિંદા કરવામાં આવી છે. બ્રિક્સ જૂથે આ પગલાંને ભેદભાવપૂર્ણ, સંરક્ષણવાદી અને વિકાસશીલ દેશોના આર્થિક વિકાસ માટે નુકસાનકારક ગણાવ્યા છે. આ સાથે જ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (WTO) માં વ્યાપક સુધારાની માંગ કરી છે.
પશ્ચિમ એશિયામાં શાંતિની અપીલ અને પેલેસ્ટાઈન મુદ્દો
પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે તમામ પક્ષોને મહત્તમ સંયમ જાળવવા અને પરમાણુ જોખમો ટાળવા હાકલ કરવામાં આવી છે. પ્રથમ વખત બ્રિક્સ ઘોષણાપત્રમાં પેલેસ્ટાઈનના મુદ્દાનો વિગતવાર ઉલ્લેખ કરાયો છે. ગાઝામાં હિંસા અંગે ચિંતા વ્યક્ત કરી 1967ની સરહદોના આધારે પૂર્વ જેરુસલેમને રાજધાની ધરાવતા સ્વતંત્ર પેલેસ્ટાઈની રાષ્ટ્ર માટે સમર્થન પુનરોચ્ચારવામાં આવ્યું છે.
સ્થાનિક ચલણમાં વેપાર અને મોડી રાત સુધી ચાલેલું વાટાઘાટોનું નાટક
બ્રિક્સ કોમન કરન્સીના સ્થાને સભ્ય દેશોએ પોતપોતાના સ્થાનિક ચલણમાં પરસ્પર વેપાર અને ક્રોસ-બોર્ડર પેમેન્ટ સિસ્ટમ વધારવા પર સંમતિ દર્શાવી છે. 140 મુદ્દાઓ ધરાવતા આ ડીકલેરેશન પર સર્વસંમતિ સાધવા ભારતીય મુત્સદ્દીઓએ શનિવારે સવારે 2:45 વાગ્યા સુધી સઘન વાટાઘાટો કરી હતી. ભારતે ઈરાન અને યુએઈ (UAE) વચ્ચે મધ્યસ્થતા કરાવી પશ્ચિમ એશિયા સંબંધિત વિવાદિત મુદ્દાઓ પર સર્વસંમતિ સાધી હતી.
