Parvinder Jhota Murder Case: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પરવિંદર સિંહ ઝોટા હત્યા કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનને (CBI) સોંપી છે. જેના આધારે CBI એ કેસ નોંધીને પોતાની તપાસ શરૂ કરી દીધી છે. CBI એ બાબતની તપાસ કરશે કે કેમિસ્ટની દુકાનો પર પ્રતિબંધિત નશાકારક પદાર્થોના ખુલ્લેઆમ વેચાણ પાછળ કોઈ નેટવર્ક કે કનેક્શન કામ કરી રહ્યું છે કે નહીં.
તપાસ એજન્સી CBI માનસા ખાતે પંજાબ પોલીસ પાસેથી આ કેસ સાથે જોડાયેલા તમામ દસ્તાવેજો પોતાના કબ્જામાં લેશે આ ઉપરાંત, CBI કેમિસ્ટ અશ્વિની કુમાર અને અન્ય આરોપીની કસ્ટડી મેળવવા માટે પણ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરશે. આ સાથે જ મંત્રી ડૉ. બલજીત કૌરે પણ નશા તસ્કરી સામે લડાઈ જારી રાખવાની અને યુવાનોને નશાના જોખમથી બચાવવાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.
પરવિંદરના પરિવારની માંગણીનું સન્માન કરતા મુખ્યમંત્રીએ આ નિર્ણય લીધો હતો. મુખ્યમંત્રી ભગવંત માને સ્પષ્ટ કર્યું કે, પંજાબ સરકાર પરવિંદર સિંહ ઝોટાના પિતા અને તેમના પરિવાર સાથે મજબૂતીથી ઉભી છે. તેમણે ઉમેર્યું હતું કે નશા સામેની લડાઈમાં સરકાર પાછળ હટશે નહીં અને પંજાબના યુવાનોના ભવિષ્યની સુરક્ષા કરવી એ સરકારની મુખ્ય પ્રાથમિકતા છે.
આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાએ તપાસ CBI ને સોંપવાના નિર્ણયને સરકારનું મોટું પગલું ગણાવ્યું છે.પંજાબના મંત્રી હરપાલ ચીમાએ જણાવ્યું કે, આ મામલાને રાજકીય મુદ્દો બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ નશા સામે પંજાબ સરકારનું અભિયાન સતત ચાલુ રહેશં. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પંજાબ પોલીસ અગાઉથી જ આ કેસમાં આરોપીઓ સામે કાર્યવાહી કરી ચૂકી છે.
