Parliament Special Session 2026: દેશના રાજકારણમાં ફરી એકવાર મોટી હલચલ તેજ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે આગામી 30 નવેમ્બર 2026 (સોમવાર)ના રોજ લોકસભા અને 2 ડિસેમ્બર 2026 (બુધવાર)ના રોજ રાજ્યસભાનું વિશેષ સત્ર બોલાવવાનો નિર્ણય લીધો છે. અત્યંત મહત્વના અને જરૂરી સરકારી કામકાજને પૂર્ણ કરવા માટે બોલાવાયેલા આ સત્રની કાર્યવાહી 3 ડિસેમ્બર 2026 સુધી ચાલવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ X પર આપી સત્તાવાર માહિતી
કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને આ અંગેની સત્તાવાર જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે- સરકારે લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભાના સભાપતિને વિનંતી કરી છે કે તેઓ જરૂરી સરકારી કામકાજને પૂર્ણ કરવા માટે સોમવાર, 30 નવેમ્બર 2026ના રોજ લોકસભા અને બુધવાર, 2 ડિસેમ્બર 2026ના રોજ રાજ્યસભાની બેઠક ફરીથી બોલાવે. કામકાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બંને ગૃહોની આ બેઠક 3 ડિસેમ્બર 2026ના રોજ સમાપ્ત થઈ શકે છે.
કોંગ્રેસ એક્શન મોડમાં: શુક્રવારે બોલાવી રણનીતિ બેઠક
સરકારની આ અચાનક જાહેરાત બાદ વિપક્ષી છાવણીમાં પણ બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. ન્યૂઝ એજન્સી ANIના અહેવાલ મુજબ, આ જાહેરાતને પગલે કોંગ્રેસે શુક્રવારે સાંજે 4:30 વાગ્યે નવી દિલ્હી ખાતે પોતાના 'સંસદીય રણનીતિ જૂથ' (Parliamentary Strategy Group)ની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠકમાં સંસદના આગામી વિશેષ સત્ર દરમિયાન સરકારને કયા મુદ્દે ઘેરવી અને ગૃહમાં પક્ષનું વલણ શું રહેશે, તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.
સીમાંકન અને મહિલા અનામતની ચર્ચા વચ્ચે સત્રની જાહેરાત
સંસદનું આ પ્રસ્તાવિત વિશેષ સત્ર એવા સમયે બોલાવવામાં આવ્યું છે જ્યારે દેશમાં સીમાંકન (Delimitation) અને મહિલા અનામત લાગુ કરવાની સરકારી યોજનાઓને લઈને જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે. અગાઉ ન્યૂઝ એજન્સી PTIએ સૂત્રોના હવાલેથી સમાચાર આપ્યા હતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં પણ આ ગંભીર મુદ્દે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાને તમામ મંત્રીઓને સંસદના આગામી સત્ર માટે સંપૂર્ણપણે તૈયાર રહેવા સૂચના આપી હતી.
131મું બંધારણીય સુધારા બિલ અને બેઠકો વધારવાનો પ્રસ્તાવ
નોંધનીય છે કે, બંધારણ (131મું સુધારા) બિલ, 2026, જેનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા અનામતના અમલીકરણને મતવિસ્તારોના સીમાંકન સાથે જોડવાનો હતો, તે ગત 17 એપ્રિલના રોજ લોકસભાની એક વિશેષ બેઠક દરમિયાન જરૂરી બે-તૃતીયાંશ બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું. આ બિલ પસાર ન થઈ શકવાને કારણે હવે સમગ્ર દેશનું ધ્યાન સીમાંકનની પ્રક્રિયા અને લોકસભાના પ્રસ્તાવિત વિસ્તરણ પર કેન્દ્રિત થયું છે.
રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, સીમાંકન પરના પ્રસ્તાવમાં એક એવી ફોર્મ્યુલા પણ સામેલ છે, જેના હેઠળ દેશના તમામ રાજ્યોમાં લોકસભાની બેઠકોની સંખ્યામાં 50 ટકા સુધીનો વધારો કરવામાં આવી શકે છે. ખાસ વાત એ છે કે, આ પ્રક્રિયામાં 1971ની વસ્તી ગણતરીના આધારે રાજ્યો વચ્ચે બેઠકોનો જે વર્તમાન રેશિયો છે, તેને યથાવત જાળવી રાખવામાં આવશે, જેથી કોઈ રાજ્યને અન્યાય ન થાય.
મતદાર યાદી સુધારણા (SIR) મુદ્દે ગૃહમાં હંગામાના એંધાણ
બંને ગૃહોનું આ સત્ર એવા સમયે યોજાઈ રહ્યું છે જ્યારે વિપક્ષી દળોએ ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલા મતદાર યાદીઓના 'વિશેષ સઘન પુનરીક્ષણ' (Special Intensive Revision - SIR) સામે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી છે. વિપક્ષી પાર્ટીઓએ આ સમગ્ર પ્રક્રિયાની પારદર્શિતા પર સવાલો ઉઠાવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે 30 નવેમ્બરથી શરૂ થતા આ ટૂંકા સત્રમાં વિપક્ષ આ મુદ્દે ગૃહમાં ચર્ચાની માંગ કરીને સરકાર પર દબાણ લાવવાનો પૂરો પ્રયાસ કરશે.
