Om appeared on Om Parvat: કુદરત ક્યારેય પોતાનો મૂળ સ્વભાવ ભૂલતી નથી, અને યોગ્ય સમયે અલૌકિક પ્રભાવ બતાવે છે. આ વાતની પ્રત્યક્ષ સાબિતી ઉત્તરાખંડમાં કૈલાશ માનસરોવર યાત્રા માર્ગ પર આવેલા પિથોરાગઢ જિલ્લાના ધારચુલા સ્થિત વિશ્વ પ્રસિદ્ધ 'ઓમ પર્વત' પર જોવા મળી છે. જ્યાં હિમવર્ષા બાદ 'ॐ' ઓમની આકૃતિ જોવા મળતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે.
તાજેતરમાં થયેલી તાજી હિમવર્ષાને કારણે ઓમ પર્વત પર બરફની પ્રાકૃતિક 'ઓમ' (ॐ) આકૃતિ ફરી એકવાર પૂર્ણ સ્વરૂપે ઉભરી આવી છે. આ સાથે જ પંચાચૂલીની શિખરો પણ બરફથી ચમકી ઉઠી છે, જેનાથી આદિ કૈલાશ અને ઓમ પર્વતની યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ અને ટ્રેકર્સમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.
ચોમાસામાં ઓગળે છે બરફ, શિયાળામાં 'ॐ' પુન:પ્રગટ
સ્થાનિક લોકો અને હવામાનના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, ઓમ પર્વત પર જોવા મળતી બરફની આકૃતિ કોઈ ગ્લેશિયર નથી. આ જ કારણે દર વર્ષે ચોમાસાના સમયગાળા દરમિયાન તાપમાન અને વરસાદને લીધે પર્વત પરથી બરફ ઓગળી જાય છે. પરંતુ ચોમાસુ પૂરું થતાં જ પર્વત પર હિમવર્ષા શરૂ થાય છે, અને ઓમ આકૃતિ પોતાના મૂળ અલૌકિક સ્વરૂપમાં પાછી આવવા લાગે છે. આ પ્રક્રિયા વર્ષોથી કુદરતી રીતે ચાલતી આવી છે.
જુલાઈ મહિનામાં બરફવિહીન થતો ઓમ પર્વત
સામાન્ય રીતે શિયાળામાં ઓછી હિમવર્ષા થાય ત્યારે ચોમાસામાં ઓમ પર્વત સંપૂર્ણપણે બરફ વગરનો થઈ જતો હોય છે. આ વર્ષે જુલાઈ મહિનામાં વરસાદ અને ગરમીના કારણે ઓમ પર્વત પરથી બરફ ઓગળી જતા પર્વત બરફવિહીન થઈ ગયો હતો. જોકે, વિતેલા દિવસોમાં થયેલા વરસાદ અને હિમવર્ષા બાદ ઓમ આકૃતિ ફરીથી સ્પષ્ટ દેખાવા લાગી છે. નિષ્ણાતોના મતે ટૂંક સમયમાં થનારી બીજી હિમવર્ષા સાથે જ આખો ઓમ પર્વત બરફથી આચ્છાદિત થઈ જશે.
ટ્રાન્સ હિમાલય ક્ષેત્રની વિશેષતા
હવામાનના જાણકારો જણાવે છે કે, ઓમ પર્વત ટ્રાન્સ હિમાલયન ક્ષેત્રમાં આવે છે, જ્યાં વરસાદ ઘણો ઓછો થાય છે. વરસાદી મોસમ દરમિયાન ગ્લેશિયરો સિવાયનો અન્ય બરફ ઓગળી જાય છે. બુધવારે સવારે તકલાકોટ વેપાર માટે વેપારીઓનો સામાન લઈને લિપુલેખ ગયેલા સ્થાનિક વાહન ચાલક ગોવિંદ ગેબ્રિયાલે ઓમ પર્વતની તાજી તસવીરો ખેંચીને માહિતી આપી હતી કે 'ઓમ' ની પવિત્ર આકૃતિ સંપૂર્ણપણે ઉભરી ચૂકી છે.
આદી કૈલાશ યાત્રા અને પંચાચુલી ટ્રેક થશે શરૂ
હવે આદી કૈલાશ અને ઓમ પર્વત યાત્રાનો બીજો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે, તે પૂર્વે જ ઓમ આકૃતિ ઉભરી આવતાં અહીં આવનારા શ્રદ્ધાળુઓને આ પવિત્ર આકૃતિના સાક્ષાત્ દર્શન કરવાનો લાભ મળશે. આ ઉપરાંત પંચાચૂલી ગ્લેશિયર ટ્રેક પણ ટૂંક સમયમાં પ્રવાસીઓ અને સાહસિક ટ્રેકર્સ માટે ખુલ્લો મૂકવામાં આવશે. બરફથી આચ્છાદિત પંચાચુલીની ચમકતી શિખરો પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે.
