Gujarati Pilgrims Garba At Kedarnath: કેદારનાથ જવું તે દરેક શિવભક્તનું સપનું હોય છે, પરંતુ કેટલાક ગુજરાતી શિવભક્તોનું સપનું સ્વર્ગ સમાન કેદારનાથ ધામમાં શિવના સાનિધ્યમાં ગરબા કરવાનું પણ હોય છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં કેદારનાથ મંદિરની બહાર એક ગ્રુપ ગરબા કરતું દેખાય છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, 'આખરે સપનું પૂરું થયું, સ્વર્ગમાં ગરબા રમ્યા.'
કેદારનાથ ધામમાં દર્શનાર્થે પહોંચ્યા શિવભક્તો
હાલ કેદારનાથના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં ભારે વધારો થયો છે. તાજેતરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પણ બદ્રીનાથ અને કેદારનાથ ધામના દર્શન કર્યા હતા. સેંકડો યાત્રાળુઓ કેદારનાથ ધામ પહોંચી ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવે છે. સાથે જ આ અમૂલ્ય ક્ષણો અને યાદોને કેદ કરવા ફોટો-વીડિયો પણ કેપ્ચર કરે છે.
કેદારનાથ ધામ અને સફેદ બરફની ચાદર ઓઢેલા પર્વતો
હાલમાં જ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામના એક એકાઉન્ટથી અદ્ભુત વીડિયો પોસ્ટ થયો હતો. આ વીડિયોમાં ત્રણ-ચાર યુવક-યુવતીઓનું એક ગ્રુપ કેદારનાથ મંદિરની બહાર પરંપરાગત ગુજરાતી ગરબા કરતા દેખાય છે. પાછળ કેદારનાથ મંદિર અને સફેદ બરફની ચાદર ઓઢેલા પર્વતો અને ગુલાબી ઠંડી વચ્ચે ગરબા કરતા ગુજરાતીઓનો આ વીડિયો હાલ ભારે વાયરલ થયો છે.
આવો જ બીજો એક વીડિયો પણ વાયરલ થયો છે. આ વીડિયોમાં તિબેટમાં કૈલાશ પરિક્રમા પૂર્ણ કર્યા બાદ ગરબા કરતા કેટલાક લોકો નજરે પડે છે. જેના કેપ્શનમાં લખ્યું છે, 'માત્ર ગુજરાતીઓ જ તિબેટમાં કૈલાશ પરિક્રમા પૂર્ણ કરી અને મહાદેવની ભૂમિ છોડતા પહેલા ગરબા સાથે તેની ઉજવણી કરી શકે છે.'
વીડિયો થયા વાયરલ, નેટિઝન્સની મિશ્ર પ્રતિક્રિયા
જોકે, થોડા સમય અગાઉ પણ આવો જ એક વીડિયો વાયરલ થયો હતો, જે યાત્રિકોની સલામતી પર પ્રશ્નો ઉભા કરતો હતો. તે વીડિયોમાં કેટલાક યાત્રિકો રોડ પર ગરબા કરતા દેખાય છે. પરંતુ તેની થોડી બાજુમાં રોડ પૂરો થતો હતો, અને શરૂ થતી હતી ઊંડી ખીણ. આવા વાયરલ વીડિયો પર લોકોની મિશ્ર પ્રતિક્રિયા આવતી હોય છે.
આવા વાયરલ વીડિયો દર્શાવી Gujarati Jagran નો હેતુ આવી ક્રિયાઓને પ્રોત્સાહન આપવો નથી. વાંચકો અને નાગરિકોને અપીલ છે કે, હંમેશા આપની તથા આસપાસના લોકોની સલામતી અને અનુકૂળતા જોઈને જ કોઈપણ પ્રકારના વીડિયો કે રિલ્સ બનાવવી જોઈએ. વધુમાં, કોઈપણ સ્થળ કે વ્યક્તિ-સમાજનું સન્માન અને પ્રતિષ્ઠા જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવું.
