ટોલ બચાવવા નંબર પ્લેટ વાળી કે છુપાવી તો સીધો 8 ગણો ઝટકો! AI કેમેરા પકડી પાડશે, સાથે ₹10,000 સુધીનું ચલણ ભરવા પણ તૈયાર રહેજો

બેરિયર-લેસ ટોલ પ્લાઝા પર નંબર પ્લેટ છુપાવવા કે ચેડાં કરવા બદલ સરકાર 4 થી 8 ગણો ટોલ દંડ વસૂલવાની તૈયારી કરી રહી છે. જાણો MV એક્ટના ચલણ, AI કેમેરા અને NHAIના નવા પ્રસ્તાવ વિશે સંપૂર્ણ વિગત.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 22 Nov 2026 06:26 PM (IST)Updated: Sun, 22 Nov 2026 06:26 PM (IST)
number-plate-tampering-8x-toll-penalty-ai-cameras-fine

New Toll Rules: દેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી વધુ સરળ અને ઝડપી બને તે માટે સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. આ દિશામાં બેરિયર-લેસ ટોલિંગ સિસ્ટમ તરફ આગળ વધવામાં આવી રહ્યું છે, જેથી વાહનોને ટોલ પ્લાઝા પર અટક્યા વિના સીધા પસાર થવાની સુવિધા મળી શકે. પરંતુ આ સુવિધા શરૂ થવાની સાથે જ ટોલ ચોરીના કેટલાક કિસ્સા સામે આવ્યા છે. તેને રોકવા માટે કેન્દ્ર સરકાર અને માર્ગ પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલય (MoRTH) કડક નિયમો લાવવાની તૈયારી કરી રહ્યું છે.

4 થી 8 ગણા ટોલ દંડની જોગવાઈ

નવા પ્રસ્તાવ મુજબ, જો કોઈ વાહનચાલક કે માલિક ટોલ ટેક્સ બચાવવા માટે વાહનની નંબર પ્લેટ સાથે ચેડાં કરે છે, તેના અંકો છુપાવે છે, પ્લેટ વાળી દે છે અથવા તેના પર કોઈ સ્ટીકર કે અન્ય વસ્તુ લગાવે છે, તો તેની પાસેથી સામાન્ય ટોલ ફી કરતાં 4 થી 8 ગણા સુધીનો ટોલ દંડ વસૂલવાની જોગવાઈ આવી શકે છે. આ માટે નેશનલ હાઈવે ફી નિયમોમાં સુધારો કરવાની પ્રક્રિયા પર વિચારણા ચાલી રહી છે, જેથી નિયમભંગ કરનારાઓને સીધો ઊંચો ટોલ ચાર્જ ચૂકવવો પડે.

MV એક્ટના ચલણ ઉપરાંત અલગથી ટોલ દંડ

આ નવી વ્યવસ્થામાં વધારાનો ટોલ દંડ એ મોટર વ્હીકલ એક્ટ હેઠળ લાગતા ચલણથી અલગ રહેશે. મોટર વ્હીકલ એક્ટ મુજબ નંબર પ્લેટ સાથે ચેડાં કરવા બદલ પહેલી વખત ₹5,000 અને ફરીથી પકડાવા પર ₹10,000 સુધીના ચલણની જોગવાઈ અગાઉથી જ છે, જે રાજ્ય પરિવહન વિભાગ દ્વારા વસૂલવામાં આવે છે, જ્યારે 4 થી 8 ગણો ટોલ દંડ NHAI અને સંબંધિત હાઈવે ઓથોરિટી દ્વારા વસૂલવાની સત્તા આપવાનો પ્રસ્તાવ છે.

AI ટેક્નોલોજી અને હાઈ-રિઝોલ્યુશન કેમેરાથી દેખરેખ

બેરિયર-લેસ ટોલ પ્લાઝા પર વાહનો અટક્યા વિના પસાર થતા હોવાથી દરેક વાહનની મેન્યુઅલ તપાસ મુશ્કેલ બને છે. આ સમસ્યાના ઉકેલ માટે આગામી બે મહિનામાં ટોલ પ્લાઝા પર હાઈ-રિઝોલ્યુશન કેમેરા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત સિસ્ટમ લાગુ કરવાની તૈયારી છે, જે ઝડપથી પસાર થતા વાહનોની તસવીરો લઈને ઢાંકેલા, વાળેલા કે અસ્પષ્ટ નંબર પ્લેટના અંકોને તરત જ ઓળખી કાઢશે.

દિલ્હીના મુંડકા જેવા અનુભવો અને HSRP પર ભાર

દિલ્હીના મુંડકા સહિતના ટોલ પ્લાઝા પર બેરિયર-લેસ વ્યવસ્થા શરૂ થયા બાદ NHAIના ધ્યાને આવ્યું કે કેટલાક ચાલકો ટોલ કપાતા બચવા માટે નંબર પ્લેટ વાળી દે છે અથવા તેના પર કશુંક ચોંટાડી દે છે. ભલે આવું કરનારા વાહનો કુલ ટ્રાફિકના માત્ર 2 થી 4 ટકા જેટલા જ હોય, પરંતુ જ્યાં સુધી દરેક વાહન પર સ્પષ્ટ રીતે વાંચી શકાય તેવી હાઈ-સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ સુનિશ્ચિત ન થાય, ત્યાં સુધી આ ટોલ ચોરી રોકવી મુશ્કેલ હોવાનું સરકાર માને છે.

વાહનમાલિકો માટે જરૂરી સાવચેતી

વાહનમાલિકોએ પોતાના વાહનની આગળ અને પાછળ બંને બાજુ HSRP નિયમ મુજબ અને એકદમ સ્પષ્ટ દેખાય તેવી સ્થિતિમાં રાખવી જરૂરી છે. નંબર પ્લેટ પર કોઈ સ્ટીકર, ફ્રેમ કે અન્ય કોઈ વસ્તુ લગાવીને અંકો છુપાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ અને પ્લેટ વાળી ન હોય કે અસ્પષ્ટ ન બને તેનું ધ્યાન રાખવું જોઈએ, જેથી થોડાક રૂપિયાના ટોલ બચાવવાના પ્રયાસમાં મોટા દંડ અને કાનૂની કાર્યવાહીથી બચી શકાય.