Operation Sindoor: ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે 88 કલાક સુધી ચાલેલા ઐતિહાસિક 'ઓપરેશન સિંદૂર' પાછળની વ્યૂહાત્મક વિચારસરણી અને ભારતની આક્રમક નીતિનો પહેલીવાર સત્તાવાર ખુલાસો કર્યો છે. 22 એપ્રિલ, 2025 ના રોજ પહેલગામમાં થયેલા નિર્મમ આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોના જીવ ગયા હતા. આ કાયરતાપૂર્ણ ઘટનાના જવાબમાં ભારતે દુશ્મનના આતંકવાદી માળખાને જમીનદોસ્ત કરવા માટે આ અભૂતપૂર્વ લશ્કરી ઓપરેશન હાથ ધર્યું હતું.
'અમે આતંકવાદીઓને બક્ષીશું નહીં': પીએમ મોદીનો દૃઢ સંકલ્પ
આ પણ વાંચો
પહેલગામ હત્યાકાંડ બાદ દેશભરમાં વ્યાપેલા આક્રોશ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની વિદેશ મુલાકાત ટૂંકાવીને તાત્કાલિક ભારત પરત ફરવાનો નિર્ણય લીધો હતો. આ તંગ વાતાવરણને યાદ કરતાં ડોભાલે જણાવ્યું કે, "એરપોર્ટ પર જ વડાપ્રધાને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે તાત્કાલિક પૂછ્યું કે આ હુમલા પાછળ કોનો હાથ છે? અને સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપ્યો કે, આતંકવાદીઓ ભલે જમીન પર હોય, આકાશમાં હોય કે પાતાળમાં – અમે તેમને આકરી સજા આપીશું."
અજિત ડોભાલે ભારતીય ગુપ્તચર એજન્સીઓની પ્રશંસા કરતાં ઉમેર્યું કે, અત્યંત ટૂંકા સમયમાં એજન્સીઓએ ગુનેગારોની સચોટ ઓળખ કરી લીધી હતી, જેના આધારે ભારતે વળતો ઘા કરવાની યોજના બનાવી.
'લોહીના છેલ્લા ટીપા સુધી લડીશું, સંયમને નબળાઈ ન ગણો'
નેશનલ સિક્યોરિટી એડવાઈઝરે દુશ્મન દેશ અને આતંકવાદી સંગઠનોને કડક ચેતવણી આપતાં કહ્યું કે, ભારત પોતાની સાર્વભૌમત્વ અને નાગરિકોની સુરક્ષા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. "એકવાર ઓપરેશન શરૂ થાય પછી અમારી કોઈ મર્યાદા નથી હોતી. અમે દેશ માટે લોહીના છેલ્લા ટીપા સુધી લડીએ છીએ. ભારતની ઉદારતા કે અતિશય સંયમને ક્યારેય નબળાઈ માનવાની ભૂલ ન કરવી જોઈએ."
પાકિસ્તાન સેનાને સ્પષ્ટ અને આકરો સંદેશ
પહેલગામના આતંકવાદીઓએ પીડિતોને ઉદ્દેશીને ધમકી આપી હતી કે 'જઈને મોદીને કહો જે કરવું હોય તે કરે'. આ ખુલ્લા પડકારનો જવાબ આપતાં ડોભાલે કહ્યું કે, ભારતે શરૂઆતથી જ નક્કી કરી લીધું હતું કે લક્ષ્ય માત્ર આતંકવાદીઓ જ નહીં પરંતુ તેમને પ્રોત્સાહન આપતું આખું નેટવર્ક હશે. પાકિસ્તાની સેના અને તેના આકાઓને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કે આતંકવાદને મળતું પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ સમર્થન હવે ભારત સહેજ પણ સહન કરશે નહીં.
