NEET Paper Leak CBI Chargesheet: દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2026ના પેપર લીક કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા દિલ્હીની રાઉઝ એવન્યુ સ્થિત સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. CBI તપાસમાં સ્પષ્ટ થયું છે કે આ પેપર લીક કોઈ છૂટક ઘટના નહોતી, પરંતુ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના આંતરિક અધિકારીઓથી લઈને દેશના વિવિધ રાજ્યો સુધી ફેલાયેલું એક સુઆયોજિત અને મોટું ગુનાહિત સિન્ડિકેટ હતું.
આ સમગ્ર ષડયંત્રમાં NTAના વિષય નિષ્ણાતો (Subject Experts), કોચિંગ સંચાલકો, દલાલો તેમજ રાજસ્થાન અને કેરળનું લોકલ નેટવર્ક સક્રિય રીતે જોડાયેલું હતું.
NTAના 3 નિષ્ણાતોએ રચ્યો ખેલ
ચાર્જશીટ મુજબ, આ કૌભાંડની શરૂઆત પરીક્ષાના કેટલાક અઠવાડિયા પહેલાં જ NTAના અત્યંત ગુપ્ત પ્રશ્નપત્ર સેટિંગ અને ટ્રાન્સલેશન પ્રોસેસ દરમિયાન કરી દેવામાં આવી હતી. NTA દ્વારા નિમવામાં આવેલા 3 સબ્જેક્ટ એક્સપર્ટ્સે પોતાની પહોંચનો દુરુપયોગ કર્યો હતો. આ શિક્ષકોમાં કેમિસ્ટ્રી એક્સપર્ટ પ્રહલાદ વિઠ્ઠલરાવ કુલકર્ણી, બોટની એક્સપર્ટ મનીષા ગુરુનાથ મંધારે અને ફિઝિક્સ એક્સપર્ટ મનીષા સંજય હવલદારનો સમાવેશ થાય છે.
ગુપ્ત વિભાગમાં ચકાસણી કે ફ્રિસ્કિંગ ન હોવાનો લાભ ઉઠાવી કુલકર્ણીએ કેમિસ્ટ્રીના 135 પ્રશ્નોમાંથી સરળ પ્રશ્નો યાદ કરી લીધા હતા અને હોટેલ આવીને લખી લીધા હતા, જ્યારે અઘરા પ્રશ્નો માટે હાથે લખેલી નાની સ્લિપો બનાવી લીધી હતી. જ્યારે મનીષા મંધારે NCERTની પુસ્તકોમાં એ ફકરાઓ માર્ક કરી લીધા હતા જ્યાંથી પ્રશ્નો પૂછાયા હતા. આ ત્રણેય નિષ્ણાતોએ ભેગા મળીને ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીના પેપર્સ ફરીથી રી-ક્રિએટ કરીને બહાર મોકલી દીધા હતા.
25 લાખમાં વેચાયું પેપર, સિક્યોરિટી પેટે 10મી-12મીની માર્કશીટ રખાઈ
CBI અનુસાર, આ લિંક મનીષા સંજય વાઘમારે દ્વારા ધનંજય લોખંડે સુધી પહોંચી હતી. લોખંડેએ નાસિકના શુભમ ખૈરનારને 25 લાખ રૂપિયામાં આ પેપર વેચ્યું હતું. ખૈરનાર પાસેથી પેપર યશ યાદવ પાસે પહોંચ્યું અને તેણે ટેલિગ્રામ દ્વારા રાજસ્થાનના માંગીલાલ બિવાલને મોકલ્યું હતું. સોદાની ગેરંટી માટે માંગીલાલ બિવાલે પોતાના ધોરણ 10 અને 12ના ઓરિજિનલ સર્ટિફિકેટ્સ તેમજ સાઈન કરેલો ખાલી ચેક સિક્યોરિટી તરીકે આપવો પડ્યો હતો.
સીકર અને ઝુનઝુનુમાં પેપરનું વિતરણ
રાજસ્થાનમાં સીકર અને ઝુનઝુનુ જિલ્લા આ પેપર વિતરણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા. ઝુનઝુનુ બાયપાસ પાસે એક ગાડીમાં માંગીલાલ બિવાલ અને દિનેશ બિવાલ ત્રણેય વિષયોના પ્રિન્ટેડ સેટ લઈને પહોંચ્યા હતા, જ્યાં અમિત કુમાર મીણા અને રોહિત માવલિયા પેપર લેવા આવ્યા હતા. આર્થિક સંકડામણના કારણે દિનેશના પુત્ર ઋષિ બિવાલે 10-12 કેન્ડિડેટ્સ લાવવાના બદલામાં ફ્રી પેપરની ઓફર કરી હતી. અહીં પણ કેશના બદલે 4 વિદ્યાર્થીઓની ઓરિજિનલ માર્કશીટ જમા કરાવાઈ હતી અને શરત હતી કે ૧૫૦થી વધુ પ્રશ્નો મેચ થશે તો જ પેમેન્ટ થશે.
વિડંબના એ રહી કે આ સમગ્ર કૌભાંડમાં સામેલ ઋષિ બિવાલને ખુદને 720માંથી માત્ર 107 માર્ક્સ જ મળ્યા હતા.
કેરળ સુધી લંબાયા કૌભાંડના તાર
આ નેટવર્ક માત્ર રાજસ્થાન પૂરતું સીમિત ન રહેતા કેરળ સુધી પહોંચ્યું હતું. સીકરની એક એજ્યુકેશનલ કન્સલ્ટન્સીમાંથી વોટ્સએપ પર આવેલી 500 પ્રશ્નોની સોલ્વ કરેલી PDF કેરળના અદૂર સ્થિત માઉન્ટ જાયન મેડિકલ કોલેજના MBBS વિદ્યાર્થી લક્ષ્ય રાજ સુધી પહોંચી હતી. લક્ષ્યના મિત્ર રજત ચૌધરીએ પોતાના ભાઈ ઋષભ ચૌધરી માટે PhonePeથી 30,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા અને પરીક્ષાના થોડા કલાકો પહેલાં ઋષભને 450 ઉકેલેલા પ્રશ્નોની PDF મળી ગઈ હતી.
કેવી રીતે થયો પર્દાફાશ?
આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ સીકરના કેમિસ્ટ્રી ટીચર શશિકાંત સુથારની સતર્કતાથી થયો હતો. તેમણે વોટ્સએપ પર વાયરલ થયેલા ગેસ પેપરને મૂળ પેપર સાથે મળતું આવતું જોઈ NTAને ઈમેલ કર્યો અને રાજસ્થાન પોલીસમાં ફરિયાદ નોંધાવી. રાજસ્થાન SOGની તપાસ બાદ 12 મેના રોજ CBIએ FIR નોંધીને SIT બનાવી હતી. પુરાવા મળ્યા બાદ 3 મે 2026ના રોજ લેવાયેલી પરીક્ષા રદ કરીને 21 મેના રોજ ફરીથી પરીક્ષા યોજવામાં આવી હતી.
હાલમાં CBI દ્વારા રાઉઝ એવન્યુ કોર્ટમાં NTAના 3 નિષ્ણાતો સહિત 13 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરાઈ છે, જેમના પર BNS, ભ્રષ્ટાચાર નિવારણ કાયદો અને પબ્લિક એક્ઝામ એક્ટ 2024 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
