Vice Presidential Election: ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને NDAના સાંસદો માટે આયોજિત ડિનર પાર્ટી રદ કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. તેમજ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને થનારી ડિનર પાર્ટી પણ રદ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ પૂરથી થયેલા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને અસરગ્રસ્ત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
ડિનર પાર્ટી ચૂંટણીના એક દિવસ પહેલા 8 સપ્ટેમ્બરે યોજાવાની હતી. એવું માનવામાં આવતું હતું કે, આ પાર્ટી એક રીતે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા NDA નેતાઓની બેઠક હતી. પરંતુ હવે તે રદ કરવામાં આવી છે અને તેની પાછળનું કારણ પણ સામે આવ્યું છે.
જાણો ડિનર પાર્ટી કેમ રદ કરવામાં આવી?
ઉત્તર ભારતના ઘણા રાજ્યો વરસાદના કારણે સ્થિતિ ગંભીર જોવા મળી રહી છે. તેને ધ્યાનમાં રાખીને, આ ડિનર પાર્ટી રદ કરવામાં આવી છે. આ સમયે પૂરથી પંજાબ સૌથી વધુ પ્રભાવિત છે. આ આપત્તિજનક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, ડિનર પાર્ટી રદ કરવામાં આવી છે. તે જ દિવસે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને ભાજપના નેતાઓ માટે ડિનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પણ રદ કરવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે, દેશના ઘણા ભાગોમાં ચોમાસાથી થયેલા ભારે વિનાશને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ચિંતા વ્યક્ત કરી
નોંધનીય છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સતત વરસાદ, વાદળ ફાટવા અને અચાનક પૂરથી થયેલ નુકસાન પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં, રાષ્ટ્રપતિએ લખ્યું કે, આ વર્ષે ચોમાસા દરમિયાન કુદરતી આફતો વિશે જાણ્યા પછી, હું દર વખતે ખૂબ જ દુઃખી છું. પર્વતોમાં વાદળ ફાટવા અને મેદાની વિસ્તારોમાં પૂરથી તબાહી મચી ગઈ છે, જેના કારણે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, પંજાબ, આસામ અને દેશના ઘણા ભાગોમાં મૃત્યુ અને વિનાશ થયો છે.