નીતિશકુમારની મહેનત એળે ગઈ! PM મોદી સાથે મુલાકાત બાદ ઓડિશાના CM નવીન પટનાયક બોલ્યા- 'ત્રીજા મોરચાની કોઈ સંભાવના નથી'

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 11 May 2023 06:50 PM (IST)Updated: Fri, 12 May 2023 08:21 AM (IST)
naveen-patnaik-statement-on-third-front-for-upcoming-loksabha-election-2024

નવી દિલ્હી.
આગામી લોકસભા ચૂંટણીને હજુ એક વર્ષની વાર છે, પરંતુ અત્યારથી વિપક્ષી એકતાની વાતો થવા લાગી હતી. વિપક્ષી એકતા માટે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર એક પછી એક પાર્ટીના વડાઓની મુલાકાત લઈ રહ્યાં છે, એવામાં ઓડિશાના મુખ્યમંત્રી અને બીજુ જનતા દળના અધ્યક્ષ નવીન પટનાયકે આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત બાદ ત્રીજા મોરચાની સંભાવનાને ફગાવી દીધી છે.

વડાપ્રધાન મોદી સાથે પોતાની મુલાકાત અંગે ઓડિશાના મુખ્યમંત્રીએ જણાવ્યું કે, તેમણે પુરીમાં એક ઈન્ટરનેશનલ એરપોર્ટ સહિત ઓડિશાની વિવિધ માંગ સંદર્ભે PM મોદી સાથે ચર્ચા કરી છે. ભુવનેશ્વરમાં હવે ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે, આથે અમે એક વિસ્તાર ઈચ્છીએ છીએ. વડાપ્રધાન મોદીએ શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી છે.

જણાવી દઈએ કે, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક 4 દિવસના દિલ્હી પ્રવાસ પર છે. અગાઉ રાષ્ટ્રપતિ ચૂંટણીના એક મહિના પહેલા 30મી મે, 2022ના રોજ નવિન પટનાયક અને વડાપ્રધાન મોદી વચ્ચે મુલાકાત થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, દિલ્હી રવાના થયાના એક દિવસ પહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર અને નવિન પટનાયક વચ્ચે મુલાકાત થઈ હતી. હકીકતમાં નીતિશકુમાર દેશમાં ભાજપ વિરુદ્ધ વિપક્ષી એકતાને મજબૂત કરવા મથી રહ્યાં છે. જેને લઈને નીતિશકુમાર નવિન પટનાયકને મળ્યા હતા. આ સમયે નીતિશકુમારની સાથે બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ ઉપરાંત જનતા દળ યુનાઈટેડના રાષ્ટ્રીય અધ્યક્ષ લલનસિંહ અને મંત્રી સંજય ઝા પણ હાજર રહ્યાં હતા. આ નેતાઓ વચ્ચે કંઈ બાબતને લઈને ચર્ચા થઈ, તેનો ખુલાસો તો કોઈએ નથી કર્યો.

હકીકતમાં મુખ્યમંત્રી નીતિશકુમાર જ્યારે પશ્ચિમ બંગાળ ગયા હતા, ત્યારે મમતા બેનરજીએ તેમને પટનામાં વિપક્ષી એકતાને લઈને બેઠક કરવાનું આહવાન કર્યું હતુ. હજુ સુધી નવીન પટનાયકે 2024ની ચૂંટણીને લઈને પોતાની પાર્ટી BJDનું સ્ટેન્ડ ક્લિયર નથી કર્યું. હાલ તેમની પાર્ટી કોઈ પણ ગઠબંધનમાં સામેલ નથી. જેથી નીતિશકુમાર નવીન પટનાયકને પોતાની સાથે લાવવા મથી રહ્યાં છે.