Mumbai Mayor Updates: દેશની સૌથી શ્રીમંત મહાનગર પાલિકા એટલે કે બૃહન્મુંબઈ મહાનગર પાલિકા (BMC)ના ચૂંટણી પરિણામો જાહેર થઈ ગયા છે અને તેમાં ભાજપ તથા એકનાથ શિંદેની શિવસેનાના મહાયુતિ ગઠબંધને સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે. જોકે, બીએમસી પર કબજો જમાવ્યા બાદ હવે મેયર પદ કોની પાસે રહેશે તેને લઈને બંને પક્ષો વચ્ચે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. બીએમસીની કુલ 227 બેઠકોમાંથી મહાયુતિએ 118 બેઠકો જીતી છે, જેમાં ભાજપે 89 અને શિંદેની શિવસેનાએ 29 બેઠકો મેળવી છે.
શિંદે જૂથની 'કિંગમેકર'ની ભૂમિકા
બહુમતીનો આંકડો 114 છે, પરંતુ ભાજપ પાસે 89 બેઠકો હોવાથી તે એકલા હાથે પાલિકા ચલાવી શકે તેમ નથી, જેના કારણે શિંદે જૂથ હવે 'કિંગમેકર'ની ભૂમિકામાં આવી ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શિંદે જૂથે મેયર પદ પર દાવો કર્યો છે અને ભાજપ સમક્ષ અઢી-અઢી વર્ષના કાર્યકાળનો ફોર્મ્યુલા મૂક્યો છે. શિંદે જૂથનું માનવું છે કે મુંબઈ પર દાયકાઓ સુધી અવિભાજિત શિવસેનાનું શાસન રહ્યું છે અને આ બાળાસાહેબ ઠાકરેનો વારસો છે, તેથી મેયર તેમનો હોવો જોઈએ.
તૂટવાના ડરથી શિંદે જૂથના નગરસેવકો હોટલમાં કેદ
રાજકીય તોડજોડની આશંકાઓને ધ્યાનમાં રાખીને એકનાથ શિંદે જૂથે સાવચેતીના પગલાં લીધા છે. શિંદે જૂથે તેમના તમામ 29 નવ-નિયુક્ત નગરસેવકોને સુરક્ષિત રાખવા માટે એક ફાઈવ સ્ટાર હોટલમાં મોકલી દીધા છે.
ઉદ્ધવ ઠાકરેનો કટાક્ષ - 'શિંદે ભાજપથી ડરેલા છે'
શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ આ ઘટનાક્રમ પર પ્રહાર કરતા કહ્યું છે કે એકનાથ શિંદે ભાજપથી ડરી ગયા છે. ઠાકરેએ કહ્યું કે શિંદે જાણે છે કે જો તેઓ એકવાર તૂટી શકે છે, તો ફરીથી પણ તેમના પક્ષમાં ભંગાણ પડી શકે છે, તેથી જ તેમણે પોતાના નગરસેવકોને હોટલમાં રાખ્યા છે. વધુમાં ઉદ્ધવ ઠાકરેએ એમ પણ કહ્યું હતું કે અમે હાર્યા નથી, ગદ્દારોને ટક્કર આપી છે અને જો ભગવાનની ઈચ્છા હશે તો મુંબઈના મેયર અમારા જ હશે.
કોંગ્રેસનો દાવો- 'ભાજપ પોતાનો મેયર બનાવશે'
બીજી તરફ કોંગ્રેસ નેતા ઉદિત રાજે દાવો કર્યો છે કે ભાજપ મુંબઈમાં પોતાનો મેયર બનાવશે અને એકનાથ શિંદેને બહારનો રસ્તો બતાવી દેશે. તેમણે કહ્યું કે જે રીતે શિવસેનાને તોડવા માટે શિંદેને પહેલા મુખ્યમંત્રી બનાવ્યા હતા, તેવી જ રીતે હવે કામ પૂરું થતાં તેમને બાજુ પર કરી દેવામાં આવશે. આ ઉપરાંત ખરાબ પ્રદર્શનને કારણે કોંગ્રેસમાં આંતરિક ડખ્ખો પણ સામે આવ્યો છે, જેમાં ભાઈ જગતાપે હાર માટે વર્ષા ગાયકવાડને જવાબદાર ઠેરવતા તેમને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.
