મુંબઈમાં પ્રથમ વરસાદે જ પોલ ખોલી; મેયર રીતુ તાવડેની હાજરીમાં જ સફાઈ કર્મચારી ખુલ્લા ગટરમાં ખાબક્યો, વિડિયો વાયરલ

પહેલો વરસાદ જ મુંબઈકર માટે મુશ્કેલી લઈને આવ્યો છે. રાતભર પડેલા મુશળધાર વરસાદને કારણે માયાનગરીના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 24 Jun 2026 06:36 PM (IST)Updated: Wed, 24 Jun 2026 06:36 PM (IST)
first-rains-in-mumbai-sanitation-worker-fell-into-an-open-drain-in-the-presence-of-mayor-ritu-tawde-video-goes-viral

Mumbai Rain News: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં લાંબા સમયથી ચાલી રહેલી પાણીની તંગી વચ્ચે આખરે ચોમાસાનું આગમન થઈ ગયું છે. નિર્ધારિત સમય કરતાં ચોમાસું લગભગ બે અઠવાડિયા મોડું પહોંચ્યું છે. જોકે, પહેલો વરસાદ જ મુંબઈકર માટે મુશ્કેલી લઈને આવ્યો છે. રાતભર પડેલા મુશળધાર વરસાદને કારણે માયાનગરીના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેના લીધે ઠેર-ઠેર ટ્રાફિક જામ અને દીવાલ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે.

મેયરની નજર સામે જ સર્જાયો અકસ્માત

આ બધા વચ્ચે બુધવારે સવારે એક એવી ઘટના ઘટી જેણે મ્યુનિસિપલ કોર્પોરેશનના દાવાઓની પોલ ખોલી નાખી છે. મુંબઈના મેયર રીતુ તાવડે જ્યારે વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરવા ગ્રાઉન્ડ પર ઉતર્યા હતા, ત્યારે તેમની નજર સામે જ એક વ્યક્તિ ખુલ્લા મેનહોલમાં અચાનક ખાબક્યો હતો. બાદમાં જાણવા મળ્યું કે ગટરમાં પડેલી વ્યક્તિ બીજું કોઈ નહીં પણ BMCનો જ એક સફાઈ કર્મચારી હતો. આ સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તંત્રની બેદરકારી પર સવાલો ઉઠાવી રહ્યા છે.

અધિકારીઓ પર ભડક્યા મેયર

મેયરની નજર સામે જ બનેલી આ ઘટનાને પગલે મેયર રીતુ તાવડે ભારે રોષે ભરાયા હતા. તેમણે સ્થળ પર હાજર અધિકારીઓનો ઉધડો લીધો હતો અને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે, જો હવે પછી શહેરના કોઈ પણ વિસ્તારમાં મેનહોલ ખુલ્લું જોવા મળશે, તો જે-તે વોર્ડના જવાબદાર અધિકારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવશે.

જોકે, બાદમાં બચાવ કરતા મેયરે જણાવ્યું હતું કે- કચરો સાફ કરવા માટે જ ગટરનું ઢાંકણું હટાવવામાં આવ્યું હતું અને ત્યાં બેરિકેડ્સ તેમજ એલર્ટનું બોર્ડ પણ લગાવાયું હતું. તેમણે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ BMC દ્વારા મુકાયેલા સાવચેતીના બોર્ડ વાંચે અને સતર્ક રહે. હાલ મુંબઈના રસ્તાઓ પરથી પાણીના નિકાલ માટે પંપ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.

વરસાદી માહોલ વચ્ચે મુંબઈમાં રાજકારણ ગરમાયું

બીજી તરફ, પહેલા જ વરસાદમાં મુંબઈ પાણી-પાણી થતાં હવે આ મુદ્દે રાજકીય રંગ પકડ્યો છે. શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરેએ સત્તાધારી મહાયુતિ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આરોપ લગાવ્યો કે ભાજપના નેતૃત્વવાળી સરકારે BMCના ભંડોળને પૂરી રીતે બરબાદ કરી દીધું છે.

આદિત્ય ઠાકરેએ વધુમાં ઉમેર્યું કે, વર્તમાન સરકારે અગાઉની મહાવિકાસ અઘાડી સરકારના સૂચનોને નકારી કાઢ્યા અને રેઈન વોટર હાર્વેસ્ટિંગ ટેન્ક ન બનાવી, જે મુંબઈ જેવા દરિયાકાંઠાના શહેર માટે ખૂબ જરૂરી હતા. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, વર્ષ 2020થી 2022 વચ્ચે અમે હિંદ માતા અને મિલાન સબવે જેવા વિસ્તારોમાં વોટર પમ્પિંગ સિસ્ટમ સફળતાપૂર્વક શરૂ કરીને બતાવી હતી, પરંતુ દુઃખની વાત એ છે કે વર્તમાન શાસકો હવે એ બનેલા પંપ અને હોલ્ડિંગ ટેન્કને યોગ્ય રીતે ઓપરેટ પણ કરી શકતા નથી.