Manipur News: ઘરમાં LPG સિલિન્ડર બ્લાસ્ટ થતા લાગી ભીષણ આગ, માતા અને બે દીકરા જીવતા સળગી ગયા

મણિપુરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મણિપુરના બિષ્ણુપુર જિલ્લામાં એક ઘરમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો છે, જે બાદ ભીષણ આગ લાગી અને આ આગમાં એક મહિલા અને તેના બે બાળકો જીવતા સળગી ગયા.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 18 Nov 2026 01:02 PM (IST)Updated: Wed, 18 Nov 2026 01:02 PM (IST)
mother-and-her-sons-die-in-an-lpg-cylinder-blast-in-manipur

Manipur News:મણિપુરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મણિપુરના બિષ્ણુપુર જિલ્લામાં એક ઘરમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો છે, જે બાદ ભીષણ આગ લાગી અને આ આગમાં એક મહિલા અને તેના બે બાળકો જીવતા સળગી ગયા. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે, ઘરના લોકોને બહાર નિકળવાનો મોકો જ ન મળ્યો. એક જ પરિવારના 3 લોકોના મોતથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી છે. બ્લાસ્ટ બાદ ફાટી નિકળેલી આગને કારણે સમગ્ર વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

માતા અને બે દીકરા જીવતા સળગી ગયા

આ અંગે વિગતે વાત કરીએ તો, મંગળવારે સાંજે જ્યારે આ પરિવાર આનંદ કિલ્લોલ કરી રહ્યો હતો ત્યાંરે અચાનક બનેલી આ ઘટનાથી માતમ છવાઈ ગયો. મળતી માહિતી પ્રમાણે સાંજે સવા સાત વાગ્યાની આસપાસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. ઘટનાની જાણ તાત્કાલિક પોલીસે કરવામાં આવી હતી. જે બાદ પોલીસે કહ્યું કે, આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે જ્યારે એકની હાલત ગંભીર છે.

મૃતક યુવતીના પતિની હાલત ગંભીર

મૃતકોમાં એક મહિલા છે તેમની ઉંમર 37 વર્ષની જણાવવામાં આવી છે જ્યારે તેમના બે પુત્રો પણ મોતને ભેટ્યા છે. એક પુત્રનું નામ પિબારેલ છે અને તે 14 વર્ષનો હતો જ્યારે બીજા પુત્રનું નામ પોઈરિંગનબા છે અને તેમની ઉંમર 7 વર્ષની હતી. આ ત્રણેય લોકો આગમાં જીવતા સળગી ગયા. જ્યારે મૃતક મહિલાના પતિ ગંભીર રીતે દાઝી ગયા છે, તેમનું નામ નરેન્દ્ર જણાવવામાં આવ્યું છે અને તેમની ઉંમર 37 વર્ષની છે. તમને જણાવી દઈએ કે, આ દૂર્ઘટના બિષ્ણુપુર જિલ્લાના નામબોલ મૈબલ ચિંગિંગ માખા વિસ્તારમાં બની હતી.

સિલિન્ડરનો ઉપયોગ કરતા સમયે રાખો આ સાવધાની


જણાવી દઈએ કે, ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટની ઘટના કેટલીક ભૂલોને કારણે બનતી રહે છે. જો થોડી સાવચેતી રાખવામાં આવે તો આવી દૂર્ઘટનાથી બચી શકાય છે. ખાસ કરીને જે જગ્યા પર આપણે સિલિન્ડર રાખીએ છીએ તે જગ્યા અને તેની આસપાસનું વાતાવરણ મહત્વનું છે. ગેસ સિલિન્ડરે ક્યારેય કોઈ ગરમ કે જ્વલનશીલ પદાર્થ પાસે ન રાખવો જોઈએ. સિલિન્ડર જે જગ્યાએ રાખ્યો હોય ત્યાં વેન્ટીલેશન પુરતું હોવું જોઈએ. આ ઉપરાંત સમયે સમયે તેની સિલિન્ડર અને ગેસ પાઈપની તપાસ કરાવવી જોઈએ. જેથી સમય રહેતા તેને રિપેર કરીને દૂર્ઘટના ટાળી શકાય.