Road Accident: આસામના કાઝીરંગા નજીક સર્જાયેલી ભયાનક માર્ગ દુર્ઘટના અને જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં બનેલા અકસ્માતમાં જીવ ગુમાવનારા દિવંગતો પ્રત્યે જાણીતા કથાકાર મોરારિબાપુએ ઊંડી સંવેદના વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. આ બંને કરુણ ઘટનાઓમાં શોકગ્રસ્ત પરિવારજનોને સાંત્વના પાઠવવા સાથે બાપુએ હનુમંત સંવેદના રાશિ અંતર્ગત કુલ રૂપિયા 4,20,000ની આર્થિક સહાય અર્પણ કરવાની જાહેરાત કરી છે.
મોટી સંખ્યામાં જાનહાની થયેલી
પ્રાપ્ત વિગતો પ્રમાણે આસામના કાઝીરંગા ખાતે મુસાફરોથી ભરેલું એક પ્રવાસી વાહન સામેથી આવતા કન્ટેનર ટ્રક સાથે ધડાકાભેર અથડાતા અત્યંત ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ હૃદયદ્રાવક દુર્ઘટનામાં કુલ 26 નિર્દોષ લોકોનાં કરુણ મોત નિપજ્યા છે, જેમાં 14 મહિલાઓ અને 12 યુવાનોનો સમાવેશ થાય છે. આ ઘટના અંગે જાણીને પૂજ્ય મોરારિબાપુએ ભારે દુઃખ વ્યક્ત કર્યું છે અને પ્રત્યેક મૃતકના પરિવારને રૂપિયા 15,000 લેખે કુલ રૂપિયા 3,90,000ની સહાયતા રાશિ જાહેર કરી છે. રામકથાના મુંબઈ સ્થિત એક શ્રોતાના માધ્યમથી આ સમગ્ર સહાય રાશિ આસામના મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવામાં આવશે, જેથી અસરગ્રસ્ત પરિવારો સુધી યોગ્ય મદદ પહોંચી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરારીબાપુ કોઈ આકસ્મિક ઘટનાના સંજોગોમાં અવાર-નવાર આર્થિક સહાયતા જાહેર કરતા હોય છે. તેઓ દેશ વિદેશમાં રામકથા માટે ખૂબ જાણીતા છે.
જૂનાગઢમાં યુવકોના પરિજનોને આર્થિક સહાયતા
આ ઉપરાંત ગુજરાતના જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આવેલા કુબા રાવણી ગામના બે આશાસ્પદ યુવાનોનાં પણ માર્ગ અકસ્માતમાં અકાળે મોત નિપજ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ યુવાનોના પરિવારજનોના દુઃખમાં સહભાગી થતા પૂજ્ય મોરારિબાપુએ પ્રત્યેક પરિવારને રૂપિયા 15,000 મુજબ કુલ રૂપિયા 30,000ની હનુમંત સંવેદના રાશિ અર્પણ કરી છે.મોરારિબાપુએ બંને દુર્ઘટનાઓમાં મૃત્યુ પામેલા તમામ દિવંગત આત્માઓના નિર્વાણ અને પરમ શાંતિ માટે હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી છે તેમજ શોકમગ્ન પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ મળે તેવી દિલસોજી પાઠવી છે.
