Monsoon Session: સંસદના ચોમાસુ સત્રની શરૂઆત થાય તે પહેલાં જ દિલ્હીનું રાજકીય તાપમાન વધી ગયું છે. સોમવારથી શરૂ થઈ રહેલા ચોમાસુ સત્ર પૂર્વે સરકારે પરંપરાગત રીતે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી, પરંતુ આ બેઠક શાંતિપૂર્ણ રહેવાને બદલે ભારે વિવાદોથી ઘેરાઈ ગઈ હતી. તૃણમૂલ કોંગ્રેસ (TMC)માંથી અલગ થયેલા 20 બળવાખોર સાંસદોના નવા જૂથ નેશનલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા (NCPI)ને સરકારે આમંત્રણ આપતા વિપક્ષી દળોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને બેઠકમાંથી પ્રતીકાત્મક વૉકઆઉટ કર્યો હતો. જોકે, બાદમાં વિપક્ષી નેતાઓ પરત ફર્યા હતા.
કોઈના અધિકારોની અવગણી ન શકાય: કિરેન રિજિજુ
બેઠક પૂર્ણ થયા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ સરકારના નિર્ણયનો જોરદાર બચાવ કર્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે સરકારે સંપૂર્ણપણે સંસદીય નિયમોનું પાલન કરીને જ NCPIને આમંત્રણ આપ્યું છે. રિજિજુએ વિપક્ષના વિરોધ સામે સવાલ ઉઠાવતા કહ્યું કે- NCPI પક્ષે લોકસભા સ્પીકર પાસે સત્તાવાર માન્યતા માટે વિનંતી કરી છે. આવી સ્થિતિમાં તમે તેમને કેવી રીતે નજરઅંદાજ કરી શકો? તમામ પક્ષોને બેઠકમાં બોલાવવા એ સરકારની ફરજ છે. લોકશાહીમાં સંખ્યાબળના આધારે ચર્ચા થાય છે, પણ કોઈને તેમના અધિકારોથી વંચિત રાખી શકાય નહીં. તેમણે આશા વ્યક્ત કરી હતી કે સત્ર દરમિયાન વિપક્ષ ગૃહની કાર્યવાહી સુચારૂ રીતે ચાલવા દેશે.
મહુઆ મોઇત્રાએ નિયમો ટાંકીને સરકારને ઘેરી
બીજી તરફ, આ સમગ્ર વિવાદ મુદ્દે તૃણમૂલ કોંગ્રેસના ફાયરબ્રાન્ડ સાંસદ મહુઆ મોઇત્રાએ સરકાર અને સ્પીકરના વલણ સામે આકરા પ્રહારો કર્યા હતા. મહુઆ મોઇત્રાએ દલીલ કરી હતી કે સ્પીકરે હજુ સુધી આ બળવાખોર સાંસદોના નવા પક્ષ કે વિલયને સત્તાવાર મંજૂરી આપી નથી અને તેમની સામે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ અયોગ્ય ઠેરવવાની અરજીઓ હજુ પેન્ડિંગ છે.
તેમણે 91મા બંધારણીય સુધારાનો ઉલ્લેખ કરતા કહ્યું કે ટેબલ ઓફિસની યાદીમાં હજુ પણ ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના સભ્યોની સંખ્યા 28 જ દર્શાવવામાં આવી છે. નવા સુધારા બાદ ગૃહમાં કોઈ અલગ કલમ કે જૂથ માટે સ્થાન બચતું નથી, તો પછી સંસદીય કાર્ય મંત્રીએ કયા આધારે આ બળવાખોરોને સત્તાવાર બેઠકમાં આમંત્રિત કર્યા? TMC નેતા સૌગત રોયે પણ આ બાબતે સખત વાંધો ઉઠાવ્યો હતો.
ચોમાસુ સત્રમાં રજૂ થશે 8 મહત્વના બિલ
આ વિવાદો વચ્ચે કિરેન રિજિજુએ માહિતી આપી હતી કે 20 જુલાઈથી શરૂ થઈને 13 ઓગસ્ટ સુધી ચાલનારા આ ચોમાસુ સત્ર માટે સરકારે 8 મહત્વના બિલ લિસ્ટેડ કર્યા છે. આ સિવાય અન્ય કોઈ વિષય પર ચર્ચા કરવી હશે તો સંસદીય નિયમો અનુસાર આગળ વધવામાં આવશે. આ બેઠકમાં સરકારે તમામ પક્ષોના સૂચનોને ગંભીરતાથી સાંભળ્યા હોવાનો દાવો કર્યો છે અને સત્રને સફળ બનાવવા વિપક્ષ પાસે સહયોગની અપીલ કરી છે.
