Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાના 9મા સત્રના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભાના નિયમ 44 અંતર્ગત મહત્વપૂર્ણ નિવેદન કર્યું હતું. સંત શિરોમણી ગુરૂ રવિદાસજી મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યમાં સામાજિક એકતા અને સમરસતાના ઉદ્દેશ્ય સાથે ચાલતા 'સમરસતા સંકલ્પ અભિયાન' અંતર્ગત રાજ્ય સરકારે વિવિધ સૂચિત પ્રકલ્પો માટે રૂ. 231 કરોડથી વધુની રકમ ફાળવવાની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વિધાનસભામાં નિવેદન
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નિવેદનમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં આ વર્ષે સંત ગુરુ રવિદાસ મહારાજની 650 મી જન્મજયંતિ સામાજિક એકતા અને સમરસતાના ઐતિહાસિક મહોત્સવ તરીકે ઉજવાઈ રહી છે. વડાપ્રધાન મોદીએ ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને વિરાસતને ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રથી વિશ્વ સમક્ષ નવી ઓળખ આપી છે. વધુમાં, હજારો વર્ષ જૂની પરંપરાને આધુનિક યુગ સાથે જોડીને ભારતના સાંસ્કૃતિક વૈભવને નવી ઊંચાઈએ પહોંચાડ્યો છે.
2026 ના આ વર્ષમાં સોમનાથ સ્વાભિમાન પર્વ જેવા ઐતિહાસિક ઉત્સવથી 1000 વર્ષની અટલ આસ્થા અને પુનરુત્થાનની યાત્રાને યાદ કરીને વિશ્વભરમાં સનાતન ધર્મનું ગૌરવ ફરી વખત વડાપ્રધાન મોદીની પ્રેરણાથી ઉજાગર થયું છે. આપણું સદભાગ્ય છે કે આ જ વર્ષે સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજની650મી જન્મજયંતિ અંતર્ગત સમરસતા સંકલ્પ અભિયાન પણ ઉજવાઈ રહ્યું છે.
ગુરુ રવિદાસજી મહારાજ એક સંતની સાથે સાથે સમાનતા, સામાજિક ન્યાય, પ્રેમ, કરુણા અને માનવતાના પ્રણેતા હતા. તેમનું સ્વપ્ન માત્ર એક સમાજના નહિ, પરંતુ સમગ્ર રાષ્ટ્રના કલ્યાણનું હતું. જ્યારે દરેક ગરીબને ન્યાય મળે, દરેક યુવાનને તક મળે, દરેક મહિલાને સન્માન મળે અને દરેક નાગરિકને વિકાસમાં સમાન ભાગીદારી મળે ત્યારે જ સાચા અર્થમાં વિચારો સાકાર થાય.
ગુરુ રવિદાસજી મહારાજની અનેક પવિત્ર વાણીઓ શ્રી ગુરુ ગ્રંથ સાહિબમાં સ્થાન પામેલી છે. એ જ તેમની આધ્યાત્મિક મહાનતા અને સમગ્ર માનવજાત માટેના તેમના સંદેશનું જીવંત પ્રમાણ છે. તેમની વાણી આજે પણ લાખો લોકોને સત્ય, પ્રેમ, સેવા અને સદાચારના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે.
વ્યક્તિની ઓળખ તેના કર્મો, વિચારો, ચરિત્ર અને ભક્તિથી થાય છે અને માનવતા જ સૌથી મોટો ધર્મ છે એ વાત ગુરુ રવિદાસજી મહારાજે મન ચંગા તો કઠૌતી મેં ગંગાનું ઉદાહરણ આપીને સમજાવ્યું છે. આ વર્ષે સામાજિક સમરસતા સંકલ્પ અભિયાનથી વધુ વેગ આપવા વિવિધ પ્રકલ્પો માટે ગ્રાન્ટ ફાળવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
સામાજિક સમરસતા અને શિક્ષણ ક્ષેત્રે આયોજન
ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન: રાજ્ય સ્તરે શિક્ષણ, હોસ્ટેલ, લાયબ્રેરી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના વર્ગો માટે રૂ. 40 કરોડ.
ગુરુ રવિદાસજી મહારાજ વિદ્યાશ્રય યોજના: કોલેજના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ PG સહાય પૂરી પાડવા માટે રૂ. 50 કરોડ.
ગુરુ રવિદાસજી ચેર સેન્ટર: જૂનાગઢ સ્થિત ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે સંત શિરોમણી ગુરુ રવિદાસજી મહારાજ ચેર સેન્ટરની સ્થાપના કરાશે.
યુનિવર્સિટીઓમાં પ્રચાર-પ્રસાર: રાજ્યની 70 યુનિવર્સિટીઓમાં ક્વિઝ કોન્ટેસ્ટ, પુસ્તક અને ઓડિયો બુક તૈયાર કરવા તેમજ પ્રચાર-પ્રસાર માટે ગ્રાન્ટ ફાળવાશે.
તાલુકા કક્ષાએ વિવિધ પ્રોજેક્ટોથી સર્વાંગી વિકાસ
તાલુકા દીઠ સમરસ ભવન: રાજ્યના તમામ તાલુકામાં એક સમરસ ભવન અને લાયબ્રેરીના નિર્માણ માટે રૂ. 93.80 કરોડ
સાંસ્કૃતિક કાર્યક્રમો: તમામ તાલુકામાં સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન માટે રૂ. 5.36 કરોડ
સરસઈ આશ્રમનો વિકાસ: જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના સરસઈ ગામે આવેલા આશ્રમના સર્વાંગી વિકાસ માટે રૂ. 10 કરોડ
સંતોની કુટિર/આશ્રમોનું નવીનીકરણ: અનુસૂચિત જાતિના વિવિધ સંતોની કુટિર અને આશ્રમોના આધુનિકરણ તથા નવીનીકરણ માટે રૂ. 30 કરોડ
આમ, રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગને લગભગ રૂ. 231 કરોડથી વધુ રકમની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી છે.
