ચેન્નઈમાં વિપક્ષની બેઠક બાદ પણ સીમાંકન બિલ પર સ્ટાલિન અડગ, રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા

ચેન્નઈમાં વિપક્ષી નેતાઓની મુલાકાત છતાં એમ.કે. સ્ટાલિને સીમાંકન બિલ પર પોતાનું વલણ બદલવાનો ઈનકાર કર્યો છે. જાણો રાહુલ ગાંધી અને સ્ટાલિનના મહત્વના નિવેદનો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 29 Nov 2026 09:44 PM (IST)Updated: Sun, 29 Nov 2026 09:44 PM (IST)
mk-stalin-refuses-u-turn-on-delimitation-bill-after-indi-alliance-meeting-rahul-gandhi-reacts

Delimitation Bill: સીમાંકન બિલને લઈને વિપક્ષી દળો વચ્ચેના મતભેદો હવે ખુલીને સામે આવી ગયા છે. રવિવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં INDI બ્લોકના દિગ્ગજ નેતાઓએ ચેન્નઈમાં દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ના પ્રમુખ એમ.કે. સ્ટાલિન સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં વિપક્ષી નેતાઓએ સીમાંકન બિલનો વિરોધ કરવા માટે સ્ટાલિન પાસે સમર્થન માંગ્યું હતું. જોકે, આ મહત્વપૂર્ણ મુલાકાત પૂરી થયાની ગણતરીની મિનિટોમાં જ સ્ટાલિને સ્પષ્ટ કરી દીધું હતું કે તેમની પાર્ટી આ બિલને પોતાનું સમર્થન આપવાનું ચાલુ રાખશે.

બેઠક બાદ રાહુલ ગાંધીએ શું કહ્યું?

સ્ટાલિન સાથેની મુલાકાત પૂર્ણ થયા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ડીએમકેએ આ બિલ પર શું કહ્યું છે કે શું કર્યું છે તે અંગે તેમને કોઈ જાણકારી નથી.

પોતાનો પક્ષ રજૂ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે- અમને નથી ખબર કે DMK એ શું કહ્યું કે શું કર્યું. હું તમને એ જણાવી રહ્યો છું કે અમારી વચ્ચે શું ચર્ચા થઈ અને અમે ભાઈ સ્ટાલિનને શું કહ્યું. અમે તેમને કહ્યું છે કે આ બિલ તમિલ સંસ્કૃતિ, તમિલ ભાષા, તમિલ લોકો, ભારતીય સંઘ અને સમગ્ર ભારત માટે મોટો ખતરો છે. તમામ દેશભક્ત લોકોની જેમ તેમણે પણ આ ખતરા સામે ઊભા રહેવું જોઈએ.

એમ.કે. સ્ટાલિને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું

બીજી તરફ, સમાચાર એજન્સી એએનઆઈ (ANI)ના અહેવાલ મુજબ એમ.કે. સ્ટાલિને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ડીએમકેએ પોતાના વલણમાં કોઈ ફેરફાર કર્યો નથી. સ્ટાલિને દલીલ કરી હતી કે જો આ સીમાંકન બિલ સંસદમાં પડી ભાંગે તો તમિલનાડુને મળતી થોડી-ઘણી સુરક્ષા પણ સમાપ્ત થઈ જશે.

સ્ટાલિને પોતાના નિર્ણય પાછળના કારણો આપતા જણાવ્યું કે, કોંગ્રેસ અને અન્ય સહયોગી દળો તરફથી કોઈ ઠોસ વિકલ્પ આપવામાં ન આવ્યો હોવાથી તેમની પાસે આ બિલને સમર્થન આપવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો ન હતો.

સ્ટાલિને ચેતવણી આપતા કહ્યું કે જો 1971ની વસ્તી ગણતરીના આધારે સીમાંકન કરવામાં આવે, તો તમિલનાડુ અને સમગ્ર દક્ષિણના રાજ્યો પર તેની ખરાબ અસર પડશે. ખાસ કરીને દક્ષિણ ભારતના રાજકીય પક્ષો માટે આ અસ્તિત્વની લડાઈ છે, તેથી આ સંજોગોમાં બિલને સપોર્ટ કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી.

તેમણે ભારપૂર્વક કહ્યું કે સંસદમાં પોતાની તાકાતનો ઉપયોગ કરીને તેમણે આગામી 25 વર્ષ માટે તમિલનાડુનું રાજકીય ભવિષ્ય સુરક્ષિત કરી લીધું છે. આ મામલે ભાવુક થઈને કે વિચાર્યા વગર નિર્ણય લેવાની કોઈ જગ્યા નથી, કારણ કે તેમના માટે તમિલનાડુનું હિત સૌથી પહેલા આવે છે.

ચેન્નઈમાં યોજાયેલી બેઠકની ખાસ વાતો

રવિવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની આગેવાનીમાં વિપક્ષી નેતાઓના એક પ્રતિનિધિમંડળે ચેન્નઈના અલવરપેટ સ્થિત સ્ટાલિનના નિવાસસ્થાને એક કલાકથી વધુ સમય સુધી બેઠક યોજી હતી. આ ચર્ચામાં કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી, માકપા (CPI-M) મહાસચિવ એમ.એ. બેબી, ડી.કે. શિવકુમાર, વી.ડી. સતીશન અને તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સામેલ થયા હતા.

ઉલ્લેખનીય છે કે એપ્રિલ મહિનાની વિધાનસભા ચૂંટણીઓ બાદ કોંગ્રેસ દ્વારા ટીવીકે (TVK) સાથે હાથ મિલાવ્યા પછી આ પ્રથમ પ્રસંગ હતો જ્યારે રાહુલ ગાંધી સ્ટાલિનને મળવા પહોંચ્યા હતા. આ સાથે જ સોનિયા ગાંધી પણ પહેલી વખત સ્ટાલિનના અલવરપેટ સ્થિત નિવાસસ્થાને ગયા હતા.