Delhi Liquor Policy Case: AAP નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા (Manish Sisodia) હોળી તિહાર જેલમાં મનાવશે. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે તેમને 20 માર્ચ સુધી કસ્ટડીમાં મોકલ્યા છે. સોમવારે સીબીઆઈના રિમાન્ડ પૂરા થયા બાદ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટમાં લાવવામાં આવ્યા હતા.
કોર્ટે મનીષ સિસોદિયાને 20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો ચુકાદો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 4 માર્ચે, રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાના CBI રિમાન્ડને વધુ બે દિવસ લંબાવ્યા હતા. જોકે સીબીઆઈએ કોર્ટમાં મનીષ સિસોદિયાને વધુ ત્રણ દિવસના રિમાન્ડ આપવાની માગ કરી હતી. સિસોદિયા દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર કોર્ટે સીબીઆઈને નોટિસ પણ જારી કરી છે. સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી 10 માર્ચે થશે.
દિલ્હી લિકર પોલિસીને લઈને થઈ હતી ધરપકડ
આપને જણાવી દઈએ કે દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ બાદ આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના વરિષ્ઠ નેતાઓ એક સપ્તાહથી CBI કસ્ટડીમાં છે. ધરપકડ બાદ સિસોદિયાને પાંચ દિવસ માટે CBI કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલે કેન્દ્રીય એજન્સીને તેના વધુ બે દિવસના રિમાન્ડ પર મોકલ્યા બાદ શનિવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
CBIએ રિમાન્ડ માટે વધુ સમય માંગ્યો હતો
સિસોદિયાના વધુ રિમાન્ડની માંગ કરતા સીબીઆઈના વકીલે કહ્યું હતું કે, તેઓ હજુ પણ સહકાર આપી રહ્યા નથી માટે અમને તેમની વધુ કસ્ટડીની જરૂર છે. સીબીઆઈએ કોર્ટને કહ્યું હતું કે, તેમની મેડિકલમાં ઘણો સમય લાગ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીને આખો દિવસ લાગ્યો હતો, જેને ફગાવી દેવામાં આવી હતી.
