મણિપુરમાં ફરી હિંસા ભડકી: નાગા સંગઠનોનું ઉગ્રવાદીઓને અલ્ટીમેટમ, '48 કલાકમાં મૃતકનું કાપેલું માથું પરત કરો'

ઉગ્રવાદીઓએ નાગા સમુદાયના 52 વર્ષીય અજિનબોઉની હત્યા કર્યા બાદ તેમનું માથું વાઢી નાખ્યું હતું.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 12 Oct 2026 04:00 PM (IST)Updated: Mon, 12 Oct 2026 04:00 PM (IST)
manipur-violence-naga-groups-give-militants-48-hour-ultimatum-ajinbou-r-murder

Manipur Violence: મણિપુરના કાંગપોકપી જિલ્લામાં ઉગ્રવાદીઓ દ્વારા નાગા સમુદાયના 52 વર્ષીય અજિનબોઉ આર નામના વ્યક્તિની હત્યા થયા બાદ તણાવ ફરી ચરમસીમાએ પહોંચ્યો છે. ઉગ્રવાદીઓએ હત્યા કર્યા બાદ મૃતકનું માથું વાઢી નાખ્યું હતું. ઘૃણાસ્પદ ઘટના બાદ નાગા સિવિલ સોસાયટીના સંગઠન 'જોઈન્ટ ટ્રાઈબ્સ કાઉન્સિલ' દ્વારા મૃતકનું કાપેલું માથું પરિવારજનોને સોંપવા માટે પ્રશાસનને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. વધુમાં, ચેતવણી આપી છે કે જો માંગણી પૂરી નહીં થાય તો સખત પગલાં લેવામાં આવશે.

વાયરલ વીડિયો અને વિવાદની શરૂઆત

અજિનબોઉની હત્યા શનિવારે કાંગપોકપી જિલ્લાના માકુઇ અશાંગ ગામ પર ઉગ્રવાદીઓના હુમલા દરમિયાન થઈ હતી. શનિવારે એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં સેના જેવા ગણવેશમાં અને હથિયારોથી સજ્જ ઉગ્રવાદીઓ વચ્ચે અજિનબોઉનું કપાયેલું માથું જોવા મળ્યું હતું. રવિવારે રાત્રે અજિનબોઉનો શિરચ્છેદ કરાયેલો મૃતદેહ ઇમ્ફાલ જવાહરલાલ નહેરુ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ ખાતે લાવવામાં આવ્યો હતો.

નાગા સંગઠન દ્વારા પોસ્ટમોર્ટમનો ઈનકાર

જોઈન્ટ ટ્રાઈબ્સ કાઉન્સિલે સ્પષ્ટ જણાવ્યું છે કે, જ્યાં સુધી અજિનબોઉનું કાપેલું માથું તેમના પરિવારજનોને સન્માનજનક અંતિમ સંસ્કાર માટે સોંપવામાં નહીં આવે, ત્યાં સુધી તેમનું પોસ્ટમોર્ટમ કરવા દેવામાં નહીં આવે. સંગઠને 48 કલાકનું અલ્ટીમેટમ આપતા કહ્યું કે, જો માથું પરત નહીં કરાય તો ન્યાય સુનિશ્ચિત કરવા માટે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે.

આ ઘોર અપરાધને માનવતાનું અપમાન ગણાવતા સંગઠને આ ઘટના માટે રાજ્ય અને કેન્દ્ર સરકારને સીધી રીતે જવાબદાર ઠેરવી છે. નોંધનીય છે કે, વીતેલા શુક્રવાર અને શનિવારે મણિપુરના કામજોંગ, ઉખરુલ અને કાંગપોકપી જિલ્લામાં ગોળીબાર થયાની વિવિધ ઘટનામાં ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા, જેનાથી રાજ્યમાં હિંસાનો નવો દોર શરૂ થયો છે.

મણિપુરમાં ફરી એકવાર હિંસા કેવી થઈ?

આ હિંસાની શરૂઆત શુક્રવારે રાત્રે થઈ હતી, જ્યારે નાગા-બહુલ કામજોંગ જિલ્લાના કુકી-બહુલ વિસ્તાર ગણાતા ચસ્સાદ ગામમાં અજાણ્યા હુમલાખોરોએ પાંચ બાળકોની માતા એવી 22 વર્ષીય મહિલાની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ મહિલાની હત્યા બાદ કુકી અને નાગા સશસ્ત્ર જૂથો વચ્ચે સામસામે ગોળીબાર શરૂ થઈ ગયો, જે શનિવારની સવાર સુધી ચાલુ રહ્યો હતો.

મુખ્યમંત્રી દ્વારા સ્થિતિ કાબૂમાં લેવા નિર્દેશ

મણિપુરના મુખ્યમંત્રી વાય. ખેમચંદ સિંહે આ તમામ હત્યાઓની આકરા શબ્દોમાં નિંદા કરી છે. તેમણે સંબંધિત અધિકારીને આદેશ આપ્યા છે કે તેઓ સ્થિતિ કાબૂમાં લેવા, શાંતિ અને કાયદો-વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા તથા તમામ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક અને અસરકારક પગલાં ભરે.