Manipur Protest and Violence: મણિપુરમાં હિંસા અને તણાવની આગ ફરી એકવાર ભડકી ઉઠી છે. લાંબા સમયથી લાપતા છ નાગા નાગરિકોના મૃતદેહ મળી આવતા સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શનોની લહેર ફેલાઈ ગઈ છે. હાલ પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ બની ગઈ છે.
24 કલાકના સર્ચ ઓપરેશન બાદ મળ્યા મૃતદેહ
બુધવારે બપોરે મણિપુર પોલીસ, CRPF અને આસામ રાઇફલ્સના આશરે 450 જેટલા જવાનોએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. સ્નિફર ડોગ્સ અને ફોરેન્સિક નિષ્ણાત ટીમોની મદદથી લગભગ 24 કલાક સુધી ચાલેલા સઘન સર્ચ ઓપરેશન બાદ આ છ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.
13 મેના રોજ શરૂ થયો હતો હિંસક વિવાદ
આ સમગ્ર વિવાદની શરૂઆત 13 મે 2026 ના રોજ થઈ હતી, જ્યારે કાંગપોકપી અને સેનાપતિ જિલ્લામાં કુકી અને નાગા સમુદાયોના સશસ્ત્ર જૂથોએ 48 થી વધુ લોકોને બંધક બનાવ્યા હતા. આ હિંસાની પૃષ્ઠભૂમિમાં કાંગપોકપીમાં ત્રણ ચર્ચ નેતાઓની ઘાત લગાવીને હત્યા કરવામાં આવી, જેઓ નાગાલેન્ડમાં કુકી અને નાગા સમુદાયો વચ્ચેની શાંતિ વાટાઘાટોમાંથી પરત ફરી રહ્યા હતા.
14 કુકી બંધકોને મુક્ત, 6 નાગા લોકોની હત્યા
9 જૂન, મંગળવારના રોજ નાગા સંગઠનોએ માનવતાના ધોરણે 14 કુકી બંધકોને મુક્ત કર્યા હતા. આ પગલા બાદ યુનાઇટેડ નાગા કાઉન્સિલના પ્રમુખ એન. લોહરોએ આશા વ્યક્ત કરી હતી કે છ નાગા પુરુષોને પણ જલ્દી જ મુક્ત કરવામાં આવશે. પરંતુ કમનસીબે, બીજા જ દિવસે આ છ લોકોની લાશો મળી આવી હતી.
રસ્તા પર ઉતર્યા સેંકડો લોકો, હાઇવે જામ થયો
નાગરિકોના મૃતદેહ મળતા જ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કૌબ્રો રેન્જ લિયાંગમેઈ મહિલા સંઘે નેશનલ હાઈવે-2 પર નામડિલોંગ ગામના ગેટ પાસે ધરણાં પ્રદર્શન કર્યા હતા. પ્રદર્શનકારીઓએ રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને પર બંધકોને બચાવવા માટે પૂરતા પગલાં ન લેવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. કુકી અને નાગા બંને જૂથો દ્વારા આર્થિક નાકાબંધી લાગુ કરવામાં આવી, જેનાથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે.
આ પણ વાંચો: Delhi: સિંગર ગુરુ રંધાવાના જિમ પર ફાયરિંગ, લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી; જાણો સમગ્ર મામલો
ત્રણ વર્ષથી સળગી રહ્યું છે મણિપુર
નોંધનીય છે કે, 3 મે 2023 થી અત્યાર સુધીમાં મણિપુરમાં 200 જેટલા લોકો માર્યા ગયા અને 60,000 થી વધુ લોકો વિસ્થાપિત થયા છે. લોકોના ઘર, દુકાનો, ગામડાઓ અને ધાર્મિક સ્થળોને સળગાવવામાં અને લૂંટવામાં આવ્યા છે. રાજ્યની કથળતી કાયદો અને વ્યવસ્થાને પગલે 2025 માં કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિ શાસન લાદ્યુ, જેને ફેબ્રુઆરી 2026 માં હટાવી લેવામાં આવ્યું હતું. જોકે, હાલની પરિસ્થિતિ જોતા રાજ્યમાં શાંતિ હજુ પણ ઘણી દૂર જણાય છે.
