'તું મારી નહીં તો કોઈની નહીં..'- કહી યુવકે મંગેતરને HIV સંક્રમિત લોહીનું ઈન્જેક્શન આપ્યું, પીડિતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

સગાઈ કર્યાં બાદ ટેસ્ટમાં યુવક HIV પોઝિટિવ હોવાનું ખુલતા યુવતીએ સબંધ કાપી નાંખ્યો હતો. જેથી તેણે યુવતીના ઘરમાં ઘુસીને જબરદસ્તીથી ઈન્જેક્શન મારી દીધુ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 12 Apr 2026 06:31 PM (IST)Updated: Sun, 12 Apr 2026 06:31 PM (IST)
man-injects-hiv-infected-blood-after-marriage-refusal-woman-dies-by-suicide
HIGHLIGHTS
  • પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરી યુવકની ધરપકડ કરી

Hyderabad Crime News: હૈદરાબાદમાં એક 24 વર્ષીય યુવતીના આપઘાતનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં લગ્નનો ઈનકાર કરતા ઉશ્કેરાયેલા યુવકે મૃતક યુવતીને HIV સંક્રમિત લોહીનું ઈન્જેક્શન આપી દીધુ હતુ. જેના કારણે હતાશ યુવતીએ અંતિમ પગલું ભર્યું છે.

આ અંગે પોલીસના જણાવ્યા પ્રમાણે, મૃતક યુવતી અને આરોપી મનોહર બન્ને એક જ સમાજના છે. આથી મૃતક યુવતીના માતા-પિતાએ પોતાની દીકરીના લગ્ન મનોહર સાથે કરાવવાનું નક્કી કર્યું હતુ.

જો કે સપ્ટેમ્બર મહિનામાં ટેસ્ટ દરમિયાન મનોહર HIV પોઝિટિવ હોવાની જાણ થતાં યુવતીએ તેની સાથે લગ્ન કરવાનો ઈનકાર કરીને સબંધ કાપી નાંખ્યો હતો.

આથી ઉશ્કેરાયેલ મનોહર ગત 11 માર્ચના રોજ યુવતીના ઘરમાં ઘુસી ગયો હતો અને જબરદસ્તીથી તેને HIV સંક્રમિત લોહીનું ઈન્જેક્શન આપી દીધુ હતું. મનોહરને એમ હતું કે, આમ કરવાથી યુવતી તેની સાથે લગ્ન કરવા માટે મજબૂર થઈ જશે. સગાઈ તૂટતા મનોહર કહેતો હતો કે, તું મારી નહીં થાય, તો હું તને બીજા કોઈની પણ નહીં થવા દઉં. આ ઘટના બાદ યુવતી સતત માનસિક તણાવમાં રહેતી હતી.

આખરે ઘટનાના એક મહિના બાદ યુવતીએ સ્યુસાઈડ નોટ લખીને પોતાના ઘરે ગળેફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી દીધી છે. દીકરીને લટકતી હાલતમાં જોતા પરિવાર તાત્કાલિક તેને સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. હાલ તો પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરીને આરોપી મનોહરની ધરપકડ કરવા સાથે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.