Surat Civic Polls 2026: સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભાજપનો 'જનસેવા સંકલ્પ કાર્યક્રમ, 120 ઉમેદવારોએ શપથ લીધા

PM મોદીના સેવાના મંત્રને આગળ વધારવા માટે તમામ ઉમેદવારોએ જીત્યા બાદ આગામી 5 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક જનસેવા કરવાના શપથ લીધા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 12 Apr 2026 06:00 PM (IST)Updated: Sun, 12 Apr 2026 06:00 PM (IST)
surat-civic-polls-2026-cr-patil-leads-janseva-sankalp-rally-at-kargil-chowk
HIGHLIGHTS
  • ભાજપે રાજ્યભરમાં 10 હજારથી વધુ કાર્યકર્તાઓને મેદાનમાં ઉતાર્યા છે

SMC Election 2026: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ જામ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર રાજ્યમાં પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે, જેના ભાગરૂપે આજે સુરતના પીપલોદ સ્થિત કારગીલ ચોક ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં ભવ્ય 'જનસેવા સંકલ્પ' કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દ્વારા ભાજપે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે.

15 મહાનગરપાલિકાઓમાં એકસાથે કાર્યક્રમ
રાજ્યની તમામ 15 મહાનગરપાલિકાઓ (6 જૂની અને 9 નવી) માં ભાજપ દ્વારા એકસાથે જનસેવા સંકલ્પ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે કાર્યકર્તાઓમાં જોમ પૂરતા ચૂંટણી પ્રચારના વિધિવત રીતે શ્રીગણેશ કરાવ્યા હતા. આ પ્રસંગે સુરત મહાનગરપાલિકાની 120 બેઠકોના તમામ ઉમેદવારો એકમંચ પર ઉપસ્થિત રહ્યા હતા.

120 બેઠકો જીતવાનો નિર્ધાર
પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે આ પ્રસંગે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ભરાઈ ગયા છે. ભાજપે રાજ્યભરમાં 10 હજારથી વધુ કાર્યકર્તાઓને મેદાનમાં ઉતાર્યા છે. સુરતમાં શહેર પ્રમુખ પરેશ પટેલના નેતૃત્વમાં અમે 120માંથી 120 બેઠકો જીતવાના છીએ.

તેમણે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવાના મંત્રને આગળ વધારવા માટે તમામ ઉમેદવારોએ જીત્યા બાદ આગામી 5 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક જનસેવા કરવાના શપથ લીધા છે.

ભરત કાનાબારના આરોપો અને ટિકિટ ફાળવણી અંગે સ્પષ્ટતા કરતા પ્રશાંત કોરાટે જણાવ્યું કે, વડાપ્રધાનના આહ્વાન મુજબ શિક્ષિત યુવાનો રાજકારણમાં આવે તે માટે ભાજપ સતત પ્રયત્નશીલ છે. નવા કાર્યકર્તાઓને તક મળે તે હેતુથી 60 વર્ષથી નીચેના કાર્યકર્તાઓ અને ત્રણ ટર્મ લડેલા લોકોને ટિકિટ ન આપવાનો સામૂહિક નિર્ણય લેવાયો છે. સુરતમાં આ વખતે અંદાજે 81 જેટલા નવા કાર્યકર્તાઓને ચૂંટણી લડવાની તક મળી છે.