Surat Municipal Corporation Election 2026 Results: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 56 બેઠકોના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં વિપક્ષી પાર્ટીઓને મોટો ઝટકો લાગ્યો છે. વિરોધ પક્ષના પૂર્વ નેતા પાયલ સાકરિયા અને કોંગ્રેસના સોહિલ સાયકલવાલાની હાર થઈ છે. જોકે, વોર્ડ નંબર 17 માં આમ આદમી પાર્ટીની આખી પેનલ વિજેતા થઈ છે.
વિરોધ પક્ષના પૂર્વ નેતા પાયલ સાકરિયાની હાર
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિરોધ પક્ષના નેતા રહી ચૂકેલા પાયલ સાકરિયાની મોટી હાર થઈ છે. હારનો સામનો કર્યા બાદ વોર્ડ નંબર 15 થી ચૂંટણી લડી રહેલા પાયલ સાકરિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, પ્રજાનો જે પણ નિર્ણય છે તે તેમને શિરોમાન્ય છે. તેમણે જીતેલા લોકો પ્રજાના હિતમાં કામ કરે તેવી આશા વ્યક્ત કરી હતી. વધુમાં, તેમણે હાર સ્વીકારતા કહ્યું કે, પ્રચારમાં ક્યાંક કચાશ રહી ગઈ હોઈ શકે, પરંતુ આગામી દિવસોમાં પણ લડત ચાલુ રહેશે.
સુરતમાં આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 17 માં આમ આદમી પાર્ટીની આખી પેનલ વિજેતા થઈ છે. AAP શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી, પૂર્વ આરોગ્ય સમિતિના સભ્ય રચના હિરપરા, અસ્મિતાબેન ધોરાજીયા અને પંકજ ચાવડાનો વિજય થયો છે.
કોંગ્રેસ ઉમેદવારની હાર અને ઘર્ષણનો માહોલ
સુરત કોંગ્રેસને પણ પરાજયનો સામનો કરવો પડ્યો છે. વોર્ડ નંબર 19 ના કોંગ્રેસના ઉમેદવાર અને આજના ડુંભાલથી અસલમ સાયકલવાલાના પુત્ર સોહિલ સાયકલવાલાની હાર થઈ છે. હાર બાદ સોહિલ સાયકલવાલાએ બાંહેધરી આપતા જણાવ્યું કે, તેઓ આગામી ચૂંટણીમાં આનાથી પણ વધુ મહેનત કરશે અને બેઠક પર વિજય મેળવશે.
'સાયકલની હવા નીકળી ગઈ' BJP કાર્યકરોનો કટાક્ષ
ચૂંટણી પરિણામ બાદ હારેલા તમામ ઉમેદવારો જ્યારે બહાર જઈ રહ્યા હતા, ત્યારે ત્યાં હાજર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા અસલમ સાયકલવાલા અને તેમના પુત્રને ઉદ્દેશીને 'સાયકલની હવા નીકળી ગઈ' તેવા નારા લગાવીને કટાક્ષ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ મામલો અત્યંત તંગ બની ગયો હતો.
પરિસ્થિતિ વણસતી જોઈને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની સુરક્ષા વચ્ચે અસલમ સાયકલવાલા તથા તેમના પુત્રને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘર્ષણ દરમિયાન કેટલાક લોકો દ્વારા તેમની સાથે 'ટપલી દાવ' (સામાન્ય ઝપાઝપી) પણ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.
