Mamata Banerjee Complaint: પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. સિલિગુડી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભારત-બાંગ્લાદેશ સંબંધોને લઈને આપવામાં આવેલા એક વિવાદાસ્પદ નિવેદન બાદ આ કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે એડવોકેટ રિંકી સિંહ ચેટર્જીએ ફરિયાદ નોંધાવી છે અને તેઓ મમતા બેનર્જીની તાત્કાલિક ધરપકડની માંગ સાથે કલકત્તા હાઇકોર્ટમાં અરજી કરવાની પણ તૈયારી કરી રહ્યા છે.
ગૃહ મંત્રાલય પર લગાવ્યા હતા ગંભીર આરોપ
આ સમગ્ર વિવાદની શરૂઆત 2 જૂનના રોજ કોલકાતાના રાની રાશ્મોની રોડ પર આયોજિત એક વિરોધ પ્રદર્શન દરમિયાન થઈ હતી. આરોપ છે કે આ પ્રદર્શન દરમિયાન મમતા બેનર્જીએ બાંગ્લાદેશી નાગરિક ઉસ્માન હાદીની હત્યાના મામલામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર અત્યંત ગંભીર અને ભડકાઉ આરોપો લગાવ્યા હતા. મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે બાંગ્લાદેશમાં થયેલી આ હત્યા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ હેઠળ અને સંગઠિત આયોજન સાથે કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય સંબંધો અને સુરક્ષા પર ખતરો
એડવોકેટ રિંકી સિંહ ચેટર્જીના જણાવ્યા અનુસાર, પૂર્વ મુખ્યમંત્રીના આવા પાયાવિહોણા અને ખોટા આરોપોને કારણે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં તણાવ પેદા થઈ શકે છે. આ પ્રકારના નિવેદનો વૈશ્વિક સ્તરે ભારતની છબીને મોટું નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત, આ નિવેદનના કારણે પાડોશી દેશ બાંગ્લાદેશમાં વસતા લઘુમતી હિન્દુઓની સુરક્ષા સામે પણ ગંભીર જોખમ ઊભું થયું હોવાનો દાવો ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
શપથ ભંગ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિનો આરોપ
અરજીમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, મુખ્યમંત્રી પદ પર કાર્યરત રહેતી વખતે મમતા બેનર્જીએ દેશની સંપ્રભુતા અને ગુપ્તતા જાળવવાના શપથ લીધા હતા. આમ છતાં, પોતાના કાર્યકાળ દરમિયાન અને પદ છોડ્યા પછી પણ તેઓ કટ્ટરપંથી તત્વોને પ્રોત્સાહન આપનારા અને ઉશ્કેરણીજનક કૃત્યોમાં સામેલ રહ્યા છે. આ પ્રકારના વર્તનને રાષ્ટ્ર વિરોધી ગણાવીને તેમની સામે રાજદ્રોહની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
8 જૂને હાઇકોર્ટમાં દાખલ થશે અરજી
એડવોકેટ ચેટર્જી આગામી 8 જૂનના રોજ કલકત્તા હાઇકોર્ટમાં એક વિશેષ અરજી દાખલ કરવા જઈ રહ્યા છે, જેમાં મમતા બેનર્જીની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે અંદાજે 10 દિવસ પહેલા પણ રિંકી સિંહ ચેટર્જીએ ચૂંટણી પ્રચાર દરમિયાન ભડકાઉ ભાષણો આપવા બદલ મમતા બેનર્જી વિરુદ્ધ સિલિગુડી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જ એક અલગ ફરિયાદ નોંધાવી હતી.
