UPI Payment MDR Charges New Update: દેશમાં ડિજિટલ પેમેન્ટનું સૌથી મોટું માધ્યમ બની ચૂકેલા યૂનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) ના નિયમોમાં ફેરફારને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. 2000 રૂપિયાથી વધુના યુપીઆઈ વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) શુલ્ક લાગુ કરવાનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે અને હવે તે નવા વર્ષમાં જ અમલમાં આવે તેવી શક્યતા છે.
અગાઉ આ વર્ષના ઓગસ્ટ મહિનામાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે 15 ઓક્ટોબરથી ₹2000 થી વધુના યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ વસૂલવામાં આવશે. જોકે, દેશભરના વેપારી સંગઠનોના ઉગ્ર વિરોધને પગલે તે તારીખ લંબાવી દેવામાં આવી હતી.
સામાન્ય નાગરિકોને ચિંતા કરવાની જરૂર નથી
યુપીઆઈનું સંચાલન કરતી સંસ્થા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ અગાઉ સંકેત આપ્યા હતા કે દિવાળી બાદ આ નવો નિયમ લાગુ કરાશે. અહીં સૌથી મહત્વની અને સ્પષ્ટ વાત એ છે કે આ ચાર્જ સામાન્ય જનતા કે ગ્રાહકો પાસેથી લેવામાં આવશે નહીં. આ શુલ્ક માત્ર વેપારીઓને કરવામાં આવતા ₹2000થી વધુના પેમેન્ટ પર જ લાગુ થશે. વધુમાં, વ્યવહારની રકમ ગમે તેટલી મોટી હોય, પરંતુ વેપારી પર લાગતા આ ચાર્જની મહત્તમ મર્યાદા 300 રૂપિયા સુધી જ સીમિત રાખવામાં આવી છે.
નવી તારીખ માટે નાણા મંત્રાલયની મંજૂરીની રાહ
દિવાળીનો તહેવાર પૂર્ણ થતા જ બેંકો અને વિવિધ યુપીઆઈ પ્લેટફોર્મ્સ દ્વારા ફરી એકવાર એમડીઆર ચાર્જ લાગુ કરવાની માંગ તેજ કરવામાં આવી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે આ નિયમ નવા વર્ષમાં જ લાગુ થવાની પૂરી સંભાવના છે. હાલ નવી તારીખ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી, પરંતુ NPCIને નાણા મંત્રાલય તરફથી લીલી ઝંડી મળ્યા બાદ જ અમલીકરણની નવી તારીખ જાહેર કરવામાં આવશે.
વેપારીઓના વિરોધથી ગ્રાહકોમાં ફેલાઈ હતી ગેરસમજ
આ નિર્ણય પાછળ ઠેલવા પાછળનું મુખ્ય કારણ વેપારીઓનો વિરોધ છે. જ્યારે આ ચાર્જની જાહેરાત થઈ, ત્યારે ઘણા વેપારી સંગઠનોએ એવી ચીમકી ઉચ્ચારી હતી કે તેમના પર લાગતો આ વધારાનો બોજ તેઓ ગ્રાહકો પાસેથી વસૂલશે. આ નિવેદનોને કારણે સામાન્ય લોકોમાં એવી ગેરસમજ ઊભી થઈ હતી કે સરકાર હવે યુપીઆઈ વાપરવા પર જનતા પાસેથી પૈસા વસૂલશે. એટલું જ નહીં, નાના દુકાનદારો પણ યુપીઆઈ દ્વારા પેમેન્ટ સ્વીકારવામાં ખચકાટ અનુભવવા લાગ્યા હતા, જેનાથી ડિજિટલ વ્યવહારો ઘટવાની ભીતિ ઊભી થઈ હતી.
શા માટે જરૂરી છે એમડીઆર (MDR) શુલ્ક?
બેંકો અને પેમેન્ટ કંપનીઓની દલીલ છે કે યુપીઆઈ વ્યવહારોનું સંચાલન અને તેની જાળવણી પાછળ વર્ષે 10,000 કરોડ રૂપિયાથી વધુનો તોતિંગ ખર્ચ થાય છે. આ એમડીઆર ચાર્જ વસૂલવા પાછળનો મુખ્ય હેતુ યુપીઆઈના ટેકનિકલ માળખાને વધુ મજબૂત બનાવવાનો અને વધતા જતા સાયબર ફ્રોડ સામે ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત રાખવાનો છે, જેથી ભવિષ્યમાં પણ આ સેવા અવિરત અને સુરક્ષિત રીતે ચાલતી રહે.
