Crime News: મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લામાંથી એક કાળજું કંપાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં લીવ ઈન પાર્ટનર યુવકે પોતાની પ્રેમિકા અને તેની 3 વર્ષની દીકરીની ગળું દબાવીને હત્યા કરી છે. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. જેની હાલ પૂછપરછ ચાલી રહી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગંજ બાસૌદા સ્થિત મનસાપૂર્ણ હનુમાન મંદિર નજીર રામસખી કુશવાહા (31) પોતાના લિવ ઈન પાર્ટનર અનુજ વિશ્વકર્મા (40) અને ત્રણ વર્ષની દીકરી સાથે ચાર વર્ષથી ભાડે રહેતી હતી.
આ પણ વાંચો
ગઈકાલે મોડી રાતે અઢી વાગ્યાની આસપાસ રામસખી અને અનુજ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ દરમિયાન બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ઉશ્કેલાયેલા અનુજે રામસખીનું ગળું દબાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જે બાદ અનુજે સૂઈ રહેલી તેની 3 વર્ષની દીકરીનું પણ ગળું દબાવી દીધુ હતુ અને પછી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
વહેલી સવારે રામસખીના ઘરનો દરવાજો ના ખુલતા પાડોશીઓને કંઈક અજુગતું થયું હોવાની શંકા ગઈ હતી. આથી તેમણે ઘરમાં જઈને જોતા રામસખી અને બાળકીની લાશ જોતા પાડોશી હતપ્રભ થઈ ગયા હતા. આથી તેમણે પોલીસને જાણ કરતાં FSL સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
પોલીસે બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને ફરાર થઈ ગયેલા અનુજ વિશ્વકર્માની અટકાયત કરીને તેની પૂછપરછ હાથ ધરી છે. હાલ તો ફોરેન્સિક ટીમ ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કરી રહી છે. જ્યારે અનુજે પોતાનો ગુનો કબૂલ કરી લેતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
