Gir Somnath: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરની જિલ્લા કોર્ટ પરિસરમાં એક 32 વર્ષીય યુવક અશફાકભાઈ ગફારભાઈ પંજાએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. સદનસીબે, આસપાસ ઉપસ્થિત લોકોએ તેમને સમયસર બચાવી લીધા હતા.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આત્મહત્યાનો પ્રયાસ થતાં જ હાજર લોકો દોડી આવ્યા હતા અને અશફાકભાઈને બચાવી લીધા હતા. જે બાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક સારવાર માટે તેમને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
વેરાવળની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ, તેમની હાલત વધુ ગંભીર જણાતા વધુ સારવાર અર્થે તેમને જૂનાગઢ રીફર કરવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, અશફાક ગફારભાઈ પંજા નામના આ વ્યક્તિ સામે વર્ષ ૨૦૨૨ માં એનપીએસ ડ્રગ્સ સંદર્ભનો કેસ દાખલ થયો હતો, જેમાં તેમને દોઢ વર્ષનો જેલવાસ થયો હોવાનું જાણવા મળ્યું છે. આ આત્મવિલોપનના પ્રયાસ પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
