Surat: શહેરના કતારગામ વિસ્તારમાં બે અલગ-અલગ બનાવોમાં બે સગીરોએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે.
પ્રથમ બનાવમાં કતારગામ GIDCમાં વસતાં પરિવારના 17 વર્ષીય બાળક મોરેસલીમ બાળકે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતુ. જેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મોરેસલીમ કોઈ યુવતીના પ્રેમમાં હતો અને તેની સાથે ચેટિંગ પણ કરતો હતો. ગઈકાલે પ્રેમિકા સાથે કોઈબાબતે માથાકૂટ થતાં મોરેસલીમે અંતિમ પગલું ભરી લીધુ હતુ.
બીજા બનાવમાં મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ કતારગામ ફૂલપાડા નજીક રહેતા પરિવારનો 12 વર્ષીય દીકરો દીપાંશું ઘરની નજીક આવેલી સ્કૂલમાં ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે. ગત 16 જૂલાઈના રોજ દીપાંશુ તેની બહેન સાથે સ્કૂલોથી ઘરે આવી રહ્યા હતા, જ્યાં નાની બહેને ભાઈને પૂછ્યા વિના નાસ્તો કરી લેતા દીપાંશુને માઠું લાગ્યું હતુ. જેથી બપોરે સાડા 3 વાગ્યાના અરસામાં દીપાંશુએ ઘરે દુપટ્ટો પંખા સાથે બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો.
આ બાબતની જાણ થતાં પરિવારજનો દ્વારા તાત્કાલિક દીપાંશુને નીચે ઉતારીને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન આજે દીપાંશુનું મોત નીપજ્યું છે.
પાંડેસરાના ગોલ્ડન તળાવમાંથી અજાણ્યા યુવકની લાશ મળી
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગોલ્ડન તળાવમાંથી આશરે 30 વર્ષના યુવકની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેને પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને તેની ઓળખ મેળવવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
