Vijay Shah News: એમપીના મંત્રી વિજય શાહની ખુરશી ખતરામાં! સોફિયા કુરેશીને 'આતંકીઓની બહેન' કહેવા પર ભાજપ હાઈકમાન નારાજ

મંત્રી વિજય શાહથી મુખ્યમંત્રી મોહન યાદવ પણ નારાજ છે. ગઈ રાત્રે મુખ્યમંત્રીએ પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી સાથે બેઠક કરી હતી. જેમાં વિજય શાહ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Thu, 15 May 2025 10:39 AM (IST)Updated: Thu, 15 May 2025 01:02 PM (IST)
madhya-pradesh-bjp-minister-vijay-shah-to-face-party-action-on-statement-colonel-sofia-qureshi

Minister Vijay Shah News(સોફિયા કુરેશી): મધ્ય પ્રદેશના આદિજાતિ મંત્રી વિજય શાહ કર્નલ સોફિયા કુરેશી પર નિવેદન આપીને બરાબરના ફસાયા છે. તેમના આ નિવેદનથી ભાજપ ડ્રેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહી છે અને તે અંતર્ગત સોફિયા કુરેશીના ઘરે પણ પહોંચી હતી. વિજય શાહ પણ વીડિયો જારી કરીને માફી પણ માંગી ચુક્યા છે. જો કે તેનાથી કોઈ ફાયદો થયો નથી.

વિજય શાહને લઈને ભાજપ હાઈકમાનની બેઠક

અહેવાલો અનુસાર મંત્રી વિજય શાહથી મુખ્યમંત્રી મોહન યાદવ પણ નારાજ છે. ગઈ રાત્રે મુખ્યમંત્રીએ પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી સાથે બેઠક કરી હતી. જેમાં વિજય શાહ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ પણ વિજય શાહની નિવેદનની ટીકા કરી હતી અને તેમને સસ્પેન્ડ કરવાની વાત કરી હતી. તે જોતા વિજય શાહનું મંત્રીપદ છીનવાઈ શકે છે.

વિજય શાહ સામે ફરિયાદ

હાઈકોર્ટના આદેશ બાદ ઈન્દોરના માનપુર પોલીસ સ્ટેશનમાં વિજય શાહ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જેમાં તેમની સામે જાહેર શાંતિનો ભંગ કરવા, એવા સમુદાય વિશે બોલવું જેનાથી દુશ્મનાવટ, નફરતની લાગણી ફેલાવવી સહિત ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મુકતા કૃત્યોને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે.

મંત્રી વિજય શાહે કર્નલ સોફિયા વિશે શું કહ્યું હતું

વિજય શાહે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે આતંકીઓએ કપડાં ઉતારીને હિન્દુઓને માર્યા હતા હવે પીએમ મોદીએ તેમને મારવા માટે તેમની બહેનને તેમના ઘરે મોકલી હતી. મંત્રીએ કહ્યું હતું કે તમે અમારી બહેનોને વિધવા કરી છે તો તમારી બહેન આવીને તેમને પણ મારીને જ છોડશે. દેશના બહેનોનો બદલો તમારી જાતિ સમાજની બહેનોને પાકિસ્તાન મોકલીને લઈ શકીએ છીએ.