મહુડી જૈન મંદિર ટ્રસ્ટનો વિવાદ, અધધ 130 કિલો સોનાની ઉચાપત થયાનો આક્ષેપ 

ગાંધીનગરના મહુડી ખાતે આવેલા ઘંટાકર્ણ મહાવીર ભગવાનના મંદિરના ટ્રસ્ટમાં ગેરરીતિ મામલે ટ્રસ્ટ બંધ કરવાની અરજી ચેરિટી કમિશનરે સ્વીકારી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 08 Feb 2026 08:56 AM (IST)Updated: Sun, 08 Feb 2026 08:56 AM (IST)
mahudi-jain-temple-controversy-trustees-accused-of-embezzling-130-kg-gold-from-temple

Mahudi Jain Temple controversy: ગાંધીનગરના મહુડી ખાતે આવેલા ઘંટાકર્ણ મહાવીર ભગવાનના મંદિરનું ટ્રસ્ટ વિવાદમાં આવ્યું છે. ટ્રસ્ટમાં ચાલી રહેલા આંતરિક વિખવાદ સાથે ટ્રસ્ટીઓ સામે ગેરરીતિના ગંભીર આક્ષેપો થયા છે. મંદિરમાંથી 130 કિલો સોનાની ઉચાપત કરવામાં આવી હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો.

મંદિરના ટ્રસ્ટી અને સભ્યો સામે ગંભીર આક્ષેપ

શ્રી મહુડી મધુપુરી જૈન શ્વેતાંબર મુર્તિપૂજક ટ્રસ્ટના આજીવન સભ્ય અંકિત મહેતા અને જયેશ મહેતાએ આ મામલે ગાંધીનગરમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે મંદિરના ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરા, કમલેશ મહેતા, રશ્મિ મહેતા, વિજય શાહ અને વિનિત વોરા સહિતના ટ્રસ્ટીઓ સામે ગેરરીતિના આક્ષેપ કર્યા હતા.

સોનાની ઉચાપત કર્યાનો ગંભીર આક્ષેપ

અંકિત મહેતા અને જયેશ મહેતાએ મંદિરના ટ્રસ્ટી અને અન્ય સભ્યોએ નાણાંકીય કૌભાંડ અને સોનાની ઉચાપત કર્યાના ગંભીર આક્ષેપો કર્યા હતા. અંકિત મહેતાના જણાવ્યા અનુસાર, સંસ્થાના 65 કિલો સોનાનો કોઈ હિસાબ કે સ્ટોક પત્રક નથી. ટ્રસ્ટીઓએ એવો દાવો કર્યો હતો કે આ સોનું મંદિરને સોનાનું મઢવામાં વપરાયું છે, પરંતુ લેબોરેટરી ટેસ્ટિંગમાં પતરામાં માત્ર 1 કિલો સોનું જ મળી આવ્યું છે. બાકીનું 64 કિલો સોનું ક્યાં ગયું?

મંદિરના ટ્રસ્ટીઓ મુદ્દે ચોંકાવનારો ખુલાસો

આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અંકિત મહેતાએ જણાવ્યું કે, હાલમાં PTR (પબ્લિક ટ્રસ્ટ રજીસ્ટર ) પર માત્ર એક જ ટ્રસ્ટી પ્રવીણભાઈ મહેતા હયાત છે. બાકીના તમામ નોંધાયેલા ટ્રસ્ટીઓના અવસાન થઈ ચૂક્યા છે. આ સ્થિતિનો લાભ લઈને ભૂપેન્દ્ર વોરા સહિત 8 વ્યક્તિએ ખોટા ઠરાવ અને લેટરહેડનો દુરુપયોગ કરી પોતાની જાતને ટ્રસ્ટી તરીકે ખપાવી દીધા છે. ચેરિટી કમિશનરે આ બાબતે વાંધા સ્વીકાર્યા હોવાથી તેમના નામ હજુ PTR પર ચઢ્યા નથી.

સંસ્થાના નાણાંનો દુરુપયોગ કર્યાનો આરોપ

અંકિત મહેતાનો વધુમાં કહ્યું કે, છેલ્લા 50 વર્ષથી દાદાના વરખમાંથી ઉતરતું અંદાજે 100 કિલો સોનું પણ ચોપડે નોંધાયેલ નથી. આક્ષેપ છે કે, ભૂપેન્દ્ર વોરા અને કમલેશ મહેતાએ સંસ્થાના નાણાંનો દુરુપયોગ કરી અમદાવાદ અને સુરતમાં કરોડોના બંગલા અને ફ્લેટ ખરીદ્યા છે. આ ઉપરાંત, પોતાની ટ્રાન્સપોર્ટ કંપની મધુપુરી રોડલાઇન્સ માટે દોઢ-દોઢ કરોડના કન્ટેનર ખરીદ્યા છે, જ્યારે કંપનીનું ટર્નઓવર માત્ર 5 લાખ જેવું જ છે.

"અંકિત મહેતાને ટ્રસ્ટ જોડે કોઈ સંબંધ નથી": ભૂપેન્દ્ર વોરા

આ અંગે ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરાએ કહ્યું કે, અંકિત શ્રેણિકભાઈ મહેતા અને જયેશ બાબુલાલ મહેતાને મહુડી ટ્રસ્ટ જોડે કોઈ સંબંધ નથી. 2024માં આ બંનેનું સભ્યપદ મૂળથી રદ કર્યું છે, આજીવન એમનું સભ્યપદ રદ કર્યું છે. એમને ટ્રસ્ટ જોડે કે સંઘ જોડે કોઈ સંબંધ નથી. 2023માં એમને મહુડી તીર્થના ટ્રસ્ટી થવા માટે ખોટા કાગળો બનાવીને ચેરિટી કમિશનરમાં દાખલ કર્યા. કાગળ ખોટા કાગળ જણાઈ આવતા ચેરિટી કમિશનરે તપાસ કરી ફેરફાર રિપોર્ટ રદ કર્યા છે.