Lawrence Bishnoi Gang: બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફની હત્યાના કથિત પ્રયાસ અને ફાયરિંગની ઘટના બાદ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું નામ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. એક તરફ લોરેન્સ બિશ્નોઈ ગુજરાતની અત્યંત સુરક્ષિત એવી સાબરમતી સેન્ટ્રલ જેલના હાઈ-સુરક્ષા સેલમાં બંધ છે, તો બીજી તરફ તેની ગેંગની હિલચાલ અટકવાનું નામ નથી લઈ રહી. આ સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જો મુખ્ય સૂત્રધાર જેલની સલાખો પાછળ છે, તો આ આખું અપરાધિક સામ્રાજ્ય વાસ્તવમાં કોણ ચલાવી રહ્યું છે? 'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના અહેવાલ મુજબ, આ ગેંગનું સંચાલન હવે વિદેશી ધરતી પરથી સક્રિય એક 'શેડો કેબિનેટ' દ્વારા કરવામાં આવી રહ્યું છે.
વિદેશથી સંચાલિત થતી 'શેડો કેબિનેટ' અને તેના ગુર્ગાઓ
આ પણ વાંચો
સૂત્રોના ટાંકીને અહેવાલમાં ખુલાસો થયો છે કે વિદેશમાં સુરક્ષિત આશ્રયસ્થાનો પર બેઠેલા લોરેન્સના ખાસ વિશ્વાસુ સાથીદારોનું એક જૂથ આંતરરાષ્ટ્રીય સ્તરે ગેંગની ગતિવિધિઓનું આયોજન અને સંચાલન કરી રહ્યું છે. આ 'શેડો કેબિનેટ' મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલી છે:
1) સંચાલન અને લોજિસ્ટિક્સ ટીમ:
આ જૂથમાં ટાયસન બિશ્નોઈ, અનિલ પંડિત, હરી બોક્સર, હરમન સંધુ અને હિમાંશુ સોનીપત જેવા ગુનેગારો સામેલ છે. તેમનું મુખ્ય કામ નવા સભ્યોની ભરતી કરવાનું, તેમને ગુનાહિત કાર્યો માટે ટાસ્ક સોંપવાનું અને લોજિસ્ટિક્સ સંભાળવાનું છે. તેઓસંપર્ક માટે ડિજિટલ સ્ક્રીનશોટ્સ અને એન્ક્રિપ્ટેડ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે.
2) વ્યૂહાત્મક અને ફંડિંગ ટીમ:
આ અલગ જૂથમાં આરઝૂ બિશ્નોઈ, શુભમ લોન્કર અને રણદીપ મલિકનો સમાવેશ થાય છે, જેઓ લાંબા ગાળાનું વ્યૂહાત્મક આયોજન, નાણાકીય ભંડોળ એકત્ર કરવું અને મોટા ટાર્ગેટ નક્કી કરવાનું કામ કરે છે. અગાઉ આ નેટવર્કમાં ગોલ્ડી ધિલ્લોન પણ સામેલ હતો, પરંતુ FBI ના 'ઓપરેશન હાર્ડબોલ' બાદ તે ભૂગર્ભમાં જતો રહ્યો છે.
સોશિયલ મીડિયા પર ધમકીઓ અને ડિજિટલ સંચાલન
આ આંતરરાષ્ટ્રીય નેટવર્ક અમેરિકા, કેનેડા અને યુરોપના વિવિધ સ્થળોએથી ઓપરેટ થાય છે. સ્થાનિક સાથીદારો અને શૂટરોને સૂચનાઓ આપવા માટે સિગ્નલ, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે.
તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, રોહિત ગોદારા અને ગોલ્ડી બ્રાર હજુ પણ ગેંગ પર સર્વોચ્ચ નિયંત્રણ ધરાવે છે, જોકે તપાસકર્તાઓને ગેરમાર્ગે દોરવા માટે તેઓ લોરેન્સથી અલગ થઈ ગયા હોવાનો ડોળ કરે છે. વિદેશમાં બેઠેલા આ માસ્ટરમાઇન્ડ્સ ભારતમાં રહેલા નીચલા સ્તરના ગુનેગારોને આર્થિક સહાય, વ્યૂહાત્મક માર્ગદર્શન અને સરહદ પારથી સુરક્ષા પૂરી પાડે છે.
અનિલ પંડિતની ભૂમિકા:
તે આ ગેંગના 'મુખપત્ર' (પ્રવક્તા) તરીકે કામ કરે છે. સિદ્ધુ મૂસેવાલાની હત્યાના એક વર્ષ બાદ કેનેડા થઈને અમેરિકા ભાગી ગયેલો આ શખ્સ સોશિયલ મીડિયા પર ગેંગના મેનિફેસ્ટો અને ખંડણીની ધમકીઓ પોસ્ટ કરે છે.
અન્ય સભ્યોના કાર્યો:
ટાયસન સોશિયલ મીડિયા પર જાહેર હસ્તીઓને ઓનલાઈન ધમકીઓ આપે છે, હરી જમીની સ્તરેથી ખંડણી વસૂલવાનું સંભાળે છે, જ્યારે હરમન વિદેશમાં રહીને સ્થાનિક સાથીદારો વચ્ચે લોજિસ્ટિક્સનું સંકલન કરે છે.
તાજેતરમાં હિમાંશુ સોનીપતે હરિયાણવી ગાયક દિલેર ખરકિયાની ગાડી પર થયેલા ગોળીબારની તેમજ હિસાર કોર્ટ બહાર વિરોધી ગેંગસ્ટર વિનોદ કાનાની હત્યાની જવાબદારી સ્વીકારી હતી, જે સાબિત કરે છે કે જેલની બહાર આ સિન્ડિકેટ સક્રિય રીતે પોતાના નેટવર્કનું વિસ્તરણ કરી રહ્યું છે.
