સુરત સ્ટેશનથી ચાલતી ટ્રેનમાં ચડતા શૂટર્સ CCTVમાં કેદ, નેપાળ ભાગી જાય તે પહેલાં કોટાથી પકડાયા

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફની કાર પર થયેલા ફાઇરિંગ બાદ સુરત રેલવે સ્ટેશનથી સનસનાટીભર્યા CCTV સામે આવ્યા છે. આરોપીઓ ચાલતી ટ્રેનના જનરલ ડબ્બામાં કૂદીને નેપાળ ભાગવાનો પ્લાન બનાવી રહ્યા હતા, પરંતુ પોલીસના એક્શને તેમની યોજના નિષ્ફળ બનાવી.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 19 Oct 2026 08:34 PM (IST)Updated: Mon, 19 Oct 2026 08:34 PM (IST)
tiger-shroff-firing-shooters-caught-in-kota-after-escape

Tiger Shroff Firing Case: બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ પર તાજેતરમાં મુંબઈના જુહુ વિસ્તારમાં થયેલા જાનલેવા હુમલા અને કાર પર ગોળીબારના મામલામાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ હુમલાને અંજામ આપ્યા બાદ ફરાર થયેલા શૂટર્સના સુરત રેલવે સ્ટેશનના સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ત્રણેય આરોપીઓ પોલીસથી બચવા માટે પ્લેટફોર્મ પર દોડતા અને ચાલતી ટ્રેનના જનરલ ડબ્બામાં ચઢતા સ્પષ્ટ નજરે પડે છે. આ મામલે રાજસ્થાનના કોટાથી આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મળી છે.

સુરત સ્ટેશને કેવી રીતે ભાગ્યા હતા શૂટર્સ?

સામે આવેલા સીસીટીવી ફૂટેજ મુજબ, રાત્રે આશરે 1:31 વાગ્યે આ ત્રણેય સંદિગ્ધ શૂટર્સ સુરત રેલવે સ્ટેશનના એક્ઝિટ ગેટથી અંદર ઘૂસતા દેખાય છે. પોલીસ તપાસમાં એ વાત સામે આવી છે કે આ આરોપીઓએ મુંબઈથી ભાગવા માટે મહારાષ્ટ્ર પાસિંગની એક ટેક્સીનો ઉપયોગ કર્યો હતો અને સડક માર્ગે પ્રવાસ કરીને સુરત પહોંચ્યા હતા. સુરત પહોંચ્યા બાદ તેઓ સીધા રેલવે સ્ટેશન ગયા અને ત્યાંથી ટ્રેનમાં સવાર થયા હતા. વિડિયોમાં દેખાઈ રહ્યું છે કે સ્ટેશન પર ભાગદોડ મચાવીને તેઓ ચાલતી ટ્રેનના જનરલ કોચમાં ચડી ગયા હતા.

શું હતી ઘટના?

રવિવારની રાત્રે મુંબઈના પોશ વિસ્તાર ગણાતા જુહુમાં એક ફૂટબોલ ક્લબની બહાર આ સનસનાટીભર્યા હુમલાની ઘટના બની હતી. હુમલાખોરોએ અચાનક ટાઇગર શ્રોફની કાર પર તાબડતોબ ગોળીબાર શરૂ કરી દીધો હતો. વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં સાફ જોઈ શકાય છે કે એક હુમલોખોર બંને હાથેથી ગન પકડીને કાર પર ધાધડ ગોળીઓ ચલાવી રહ્યો છે, જ્યારે તેની બાજુમાં ઊભેલો કેપ પહેરેલો બીજો શૂટર્સ પણ સતત ફાયરિંગ કરી રહ્યો છે. આ ભયાનક વારદાતને અંજામ આપ્યા બાદ ત્રણેય આરોપીઓ એક બાઈક પર સવાર થઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

સદનસીબે આ ગોળીબારમાં એક્ટર ટાઇગર શ્રોફ બચી ગયો હતો, પરંતુ આ હુમલામાં તેનો ડ્રાઇવર અને એક ઓટો-રિક્ષાચાલક ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ફાયરિંગ માટે એડવાન્સ તરીકે મળ્યા હતા માત્ર 50,000 રૂપિયા!

પ્રાથમિક પોલીસ તપાસમાં એક મોટો ખુલાસો એ પણ થયો છે કે આ ખતરનાક ષડયંત્રને અંજામ આપવા માટે શૂટર્સને માત્ર 50,000 રૂપિયા એડવાન્સ તરીકે આપવામાં આવ્યા હતા. મુંબઈમાંથી ભાગતી વખતે આ શૂટર્સે અંધેરી વેસ્ટ રેલવે સ્ટેશનની નજીક પોતાની મોટરસાઇકલ લાવારિસ હાલતમાં છોડી દીધી હતી અને બોરીવલી તરફ જનારી લોકલ ટ્રેનમાં બેસીને આગળ નીકળી ગયા હતા. ત્યારબાદ તેઓ ટેક્સી પકડીને સુરત પહોંચ્યા હતા.

કોટાથી પુણે-જયપુર એક્સપ્રેસમાંથી ઝડપાયા

પોલીસ અને એજીટીએફ (AGTF)ની સંયુક્ત ટીમે બાતમીના આધારે રાજસ્થાનના કોટા રેલવે સ્ટેશન પર મોટી કાર્યવાહી કરી હતી. પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને ભાગી રહેલા આ શૂટરોને પોલીસે ફિલ્મીઢબે ઝડપી લીધા હતા. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આ લોકો ટ્રેન મારફતે દિલ્હી અને દિલ્હીથી ગેરકાયદેસર રીતે નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતા.

આરોપીઓ પોલીસની પકડથી બચવા માટે એકબીજા સાથે વાતચીત કરવા તથા પોતાની લોકેશન શેર કરવા માટે સામાન્ય ફોન કૉલ કે મેસેજને બદલે સિગ્નલ (Signal) અને ટેલિગ્રામ (Telegram) જેવા એન્ક્રિપ્ટેડ એપ્સનો ઉપયોગ કરી રહ્યા હતા. હાલ પોલીસ આ કેસના મુખ્ય સૂત્રધાર અને હુમલામાં વપરાયેલા હથિયારની શોધખોળ માટે આગળની કડક પૂછપરછ હાથ ધરી રહી છે.