'હું ભાગેડુ નથી, રાહુલ ગાંધી મને કેમ નિશાન બનાવે છે?' લલિત મોદીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન

IPL પૂર્વ ચેરમેન લલિત મોદી વર્ષ 2010માં ભારત છોડી ગયા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 04 Jun 2026 03:46 PM (IST)Updated: Thu, 04 Jun 2026 03:48 PM (IST)
lalit-modi-denies-fugitive-tag-and-targets-rahul-gandhi-and-p-chidambaram

New Delhi News, Lalit Modi: ઇન્ડિયન પ્રીમિયર લીગના - IPL પૂર્વ ચેરમેન લલિત મોદીએ પોતાની સાથે જોડાયેલા 'ભાગેડુ' ના ટેગને સખત શબ્દોમાં ફગાવી દીધો છે. ન્યૂઝ એજન્સી ANI ને આપેલા એક ઇન્ટરવ્યુમાં લલિત મોદીએ જણાવ્યું હતું કે તેઓ ભાગી નથી રહ્યા, પરંતુ આખી દુનિયા ફરી રહ્યા છે.

'હું ભાગી નથી રહ્યો, દુનિયા ફરી રહ્યો છું'

વર્ષ 2010માં ભારત છોડી ગયેલા લલિત મોદીએ દાવો કર્યો કે, "ભારત સરકારની પહોંચ ઘણી લાંબી છે. જો તેઓ ઈચ્છતા હોત તો મને ઘણા સમય પહેલા જ પકડી શક્યા હોત. ભારત જેવી વૈશ્વિક મહાસત્તાથી બચીને નીકળવું અશક્ય છે, અને જો હું ભાગતા હોત તો ક્યાંકને ક્યાંક પકડાઈ જ ગયો હોત." લલિત મોદીએ પોતાના પર લાગેલા આર્થિક અનિયમિતતા અને મની લોન્ડરિંગના આરોપોને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યા હતા.

રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન

પોતાની રેલીઓ અને સંસદમાં તેમના પર નિશાન સાધી રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર લલિત મોદીએ આકરા પ્રહાર કરતા કહ્યું, "જ્યારે પણ ચૂંટણી આવે છે, ત્યારે તેઓ મારા પર હુમલો કરે છે. લોકોની લાગણીઓને ભડકાવવા માટે તેઓ મારા નામનો ઉપયોગ કરે છે. કારણ કે, હું ક્રિકેટ સાથે જોડાયેલો છું અને ક્રિકેટ લોકોની ભાવનાઓ સાથે જોડાયેલું છે."

'ગૃહમંત્રીએ મને ધમકી આપી હતી'

વર્ષ 2009ના IPL ને દક્ષિણ આફ્રિકામાં ખસેડવાના મુદ્દે લલિત મોદીએ તત્કાલીન ગૃહમંત્રી પી. ચિદમ્બરમ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, "ચિદમ્બરમે મને ધમકી આપી હતી. રાજ્યોમાં ભાજપ સરકારોએ મને મેચ યોજવાની મંજૂરી આપી, પરંતુ કોંગ્રેસની રાજ્ય સરકારોએ મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. ટુર્નામેન્ટ દક્ષિણ આફ્રિકા લઈ જતા પહેલા શેડ્યૂલ 154 વખત બદલ્યું હતું, પરંતુ અંતે સર્વશક્તિમાન એવા ગૃહમંત્રી ચિદમ્બરમ તરફથી આદેશ આવ્યો હતો."

વિજય માલ્યા સાથેના વીડિયો પર સ્પષ્ટતા

તાજેતરમાં લંડનમાં વિજય માલ્યાની પાર્ટીમાં લલિત મોદીએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં લલિત મોદીએ પોતાને અને માલ્યાને "ભારતના બે સૌથી મોટા ભગોડા" ગણાવ્યા હતા, જેનાથી મોટો વિવાદ સર્જાયો હતો.

જોકે, બાદમાં લલિત મોદીએ આ માટે માફી માંગતા કહ્યું હતું કે તેમના નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. નોંધનીય છે કે ભારત સરકારે વારંવાર સ્પષ્ટ કર્યું છે કે તે લલિત મોદી અને વિજય માલ્યા સહિતના આર્થિક ગુનેગારોને ભારત પરત લાવીને કાયદા સમક્ષ રજૂ કરવા કટિબદ્ધ છે.