Surat Digital Arrest Case: સુરતના બારડોલીમાં એક વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગઠિયાઓએ વૃદ્ધને ફોન કરીને મની લોન્ડરિંગની ધમકી આપીને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. આરોપીઓએ વૃદ્ધ પાસેથી 2.96 કરોડની રકમ ટ્રાન્સફર કરાવી લેતાં હાલ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
બારડોલીના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કર્યા
મળતી માહિતી મુજબ, બારડોલીમાં રહેતાં 82 વર્ષીય વૃદ્ધ પરભુભાઈ નાથુભાઈ પટેલ ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા હતા. તેઓને ગત 8 ઓગસ્ટ 2026ના રોજ અજાણ્યા શખ્સોએ વોટ્સએપ પર કોલ કર્યો હતો. આરોપીઓએ મુંબઈ પોલીસ અને ડીએસપી હોવાની ઓળખ આપી હતી. ઉપરાંત આરોપીઓએ વૃદ્ધને તેમના આધાર કાર્ડ દ્વારા ખાતું ખોલવામાં આવ્યું અને તે ખાતાનો ઉપયોગ મની લોન્ડરિંગના રુ. 122 કરોડના કૌભાંડમાં થયા હોવાનું જણાવ્યું હતું.
ઠગબાજોએ રુ.2.96 કરોડની રકમ પડાવી
ગઠિયાઓએ વૃદ્ધને ડરાવી-ધમકાવીને કોર્ટ એરેસ્ટ વોરન્ટ પણ મોકલ્યો હતો. જે બાદ વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ રાખવામાં આવ્યા હતા આરોપીએ વૃદ્ધની પત્નીને પણ ડિજિટલ એરેસ્ટ કરવા અને મુંબઈની જેલમાં રાખવાની ધમકી આપી હતી. બાદમાં ઠગબાજોએ અલગ અલગ ખાતાઓમાં આરટીજીએસ મારફતે કુલ 2.96 કરોડ રૂપિયા પડાવી લીધા હતા.
પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી
વૃદ્ધને જ્યારે પોતાના રુપિયા પાછા ન મળતાં તેમને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો ખ્યાલ આવ્યો હતો. તેથી તેઓએ આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
