Kolkata Woman Gang Rape: બંગાળમાં ફરી એકવાર ગેંગરેપની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના દક્ષિણ કોલકાતાના હરિદેવપુર વિસ્તારની છે. અહીં રહેતી 20 વર્ષની છોકરી પર તેના બે પરિચિતોએ બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે છોકરી વ્યથિત હાલતમાં ઘરે પહોંચી ત્યારે તેણે તેના પરિવારને આ અંગે જાણ કરી.
શનિવારે રાત્રે પરિવારે નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસનું કહેવું છે કે આ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને આરોપીઓની શોધ ચાલી રહી છે. આરોપ છે કે બંને યુવાનોએ છોકરીને તેનો જન્મદિવસ ઉજવવા માટે બોલાવી હતી. ત્યારબાદ બંનેએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.
થોડા મહિના પહેલા થઈ હતી આ મુલાકાત
માહિતી મુજબ, છોકરી થોડા મહિના પહેલા ચંદન મલિક નામના વ્યક્તિના સંપર્કમાં આવી હતી. તેણે પોતાને દક્ષિણ કોલકાતાની એક મોટી દુર્ગા પૂજા સમિતિનો વડા હોવાનું જણાવ્યું હતું. આ પછી, ચંદને છોકરીનો પરિચય દીપ નામના બીજા એક વ્યક્તિ સાથે કરાવ્યો હતો. આરોપ છે કે બંનેએ પૂજા સમિતિમાં સામેલ કરવાનું વચન આપીને છોકરીને છેતરપિંડી કરી હતી.
બંને આરોપીઓ છોકરી સાથે વારંવાર વાત કરતા હતા. છોકરીનો જન્મદિવસ શુક્રવારે હતો. ચંદન અને દીપ પીડિતાને તેનો જન્મદિવસ ઉજવવાના બહાને દક્ષિણ કોલકાતાના રીજન્ટ પાર્ક વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં લઈ ગયા. અહીં પહેલા તેઓએ ભોજન કર્યું અને પછી જ્યારે છોકરીએ કહ્યું કે તે ઘરે જવા માંગે છે, ત્યારે આરોપીઓએ દરવાજો બંધ કરી દીધો અને પછી તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો.
મહિલા કોઈક રીતે ત્યાંથી ભાગી જવામાં સફળ રહી. તે ઘરે પહોંચી અને તેના પરિવારને ઘટના વિશે જાણ કરી. આ ઘટના શુક્રવારે બની હતી, પરંતુ ફરિયાદ શનિવારે રાત્રે નોંધાઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે હરિદેવપુર વિસ્તારમાંથી ગેંગરેપની ફરિયાદ મળી છે અને આરોપીઓની શોધ ચાલી રહી છે.
(સમાચાર એજન્સી IANSના ઇનપુટ્સ સાથે)