ભીડ, વરસાદ અને એક જ ગેટ; કોલકાતામાં થયેલી નાસભાગમાં હોમ ગાર્ડની ભૂમિકા અંગે સવાલો ઉઠ્યા; 7 આરોપીઓને 10 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા

કોલકાતાના ચોરબાગાન વિસ્તારમાં દુર્ગા પૂજા પંડાલમાં નાસભાગ મચી જતાં 19 લોકોનાં મોત થયાં છે. સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે; 7 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને પંડાલોમાં વીઆઈપી (VIP) પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 18 Oct 2026 07:26 PM (IST)Updated: Sun, 18 Oct 2026 07:26 PM (IST)
kolkata-durga-puja-stampede-kills-19-7-arrested

Kolkata Durga Puja Stampede: કોલકાતાના વિખ્યાત ચોરબાગાન સાર્વજનિક દુર્ગાપૂજા પંડાલમાં શનિવાર સાંજે સર્જાયેલી કરૂણ નાસભાગ (ભગદળ)ની ઘટનામાં મૃત્યુઆંક વધીને 19 થયો છે, જ્યારે 25 થી વધુ શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ દર્દનાક દુર્ઘટના બાદ પોલીસે આકરી કાર્યવાહી કરતા પૂજા કમિટીના સેક્રેટરી, ઉપપ્રમુખ અને સિક્યુરિટી એજન્સીના અધિકારીઓ સહિત 7 લોકોની અટકાયત કરી 10 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી આપ્યા છે. પોલીસે આયોજકો સામે સાપરાધ મનુષ્યવધ (ગેરઈરાદાપૂર્વક હત્યા) નો ગુનો નોંધ્યો છે.

કેવી રીતે સર્જાઈ દુર્ઘટના?

17 ઓક્ટોબરની સાંજે ભારે વરસાદ વચ્ચે ચોરબાગાન પંડાલ દર્શનાર્થીઓથી ખચાખચ ભરાયેલો હતો. તે જ સમયે પંડાલના માઈક પરથી અચાનક એવી જાહેરાત કરવામાં આવી કે, પંડાલની સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને તે ગમે ત્યારે પડી શકે છે, તેથી સૌ તુરંત બહાર નીકળો.

આ જાહેરાત સાંભળતા જ શ્રદ્ધાળુઓમાં ભારે અફરાતફરી અને દહેશતનો માહોલ સર્જાયો હતો. જીવ બચાવવા માટે હજારો લોકો એકસાથે સંકડા નિકાસ માર્ગ (એક્ઝિટ ગેટ) તરફ ભાગ્યા હતા. વરસાદ અને એક જ સાંકડો રસ્તો હોવાના કારણે અનેક લોકો નીચે પડી ગયા હતા અને કચડાઈ જવાથી 19 લોકોના મોત નીપજ્યા હતા.

સુરક્ષા અને ભીડ વ્યવસ્થાપન પર ગંભીર સવાલો

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે,

  • પંડાલમાં પ્રવેશો અને નિકાસના રસ્તા અત્યંત સાંકડા હતા.
  • દર્શનાર્થીઓની ભીડની સરખામણીએ સુરક્ષા કર્મચારીઓની ભારે અછત હતી.
  • ઘટના સ્થળના CCTV ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોના આધારે તપાસ તેજ કરવામાં આવી છે.

સરકાર અને પોલીસના મોટા નિર્ણયો

VIP લાઇન સંપૂર્ણપણે બંધ

દુર્ઘટના બાદ બંગાળ સરકારે કોલકાતાના તમામ મોટા દુર્ગાપૂજા પંડાલોમાં વીઆઈપી પ્રવેશ વ્યવસ્થા (VIP Entry) નાબૂદ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે તમામ દર્શનાર્થીઓએ એક જ સામાન્ય લાઈનમાં ઉભા રહીને દર્શન કરવા પડશે.

તથ્ય-તપાસ કમિટી

મુખ્યમંત્રીએ દુર્ઘટનાના સાચા કારણો જાણવા માટે એક સ્પેશિયલ ફેક્ટ-ફાઈન્ડિંગ ટીમની રચના કરી છે. આ ઉપરાંત શહેરના અન્ય મોટા પંડાલોની સ્ટ્રક્ચરલ મજબૂતી અને સિક્યુરિટી ચેક કરવા માટે પણ વિશેષ ટીમ બનાવી છે, જે ગૃહ સચિવને રિપોર્ટ સોંપશે.

વિસ્તારમાં કલમ 163 લાગુ

ઘટના બાદ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ચોરબાગાન, સેન્ટ્રલ એવન્યુ, કોલેજ સ્ટ્રીટ અને કોલૂટોલા સહિતના વિસ્તારોમાં 3 દિવસ માટે કલમ 163 લાગુ કરવામાં આવી છે, જેથી 5 કે તેથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ રહેશે.

ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ હોસ્પિટલની મુલાકાત લીધી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે એપોલો હોસ્પિટલ પહોંચીને ઈજાગ્રસ્તોના ખબરઅંતર પૂછ્યા હતા અને ડોક્ટરો સાથે વાતચીત કરી હતી. તે પહેલાં તેમણે ઘટનાસ્થળની પણ મુલાકાત લીધી હતી. આ દુર્ઘટનાને પગલે ગૃહમંત્રીએ બંગાળ પ્રવાસ દરમિયાન પૂજા પંડાલોમાં જવાના પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા હતા.