Jammu Kashmir Sarla Bhat Gang Rape Case: જમ્મુ-કાશ્મીર પોલીસ અને પ્રદેશ તપાસ એજન્સી (SIA) દ્વારા શ્રીનગરમાં મંગળવારે યાસીન મલિક સહિત 8 આતંકીઓના નવ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડા 1990માં કાશ્મીરી હિન્દુ મહિલા સરલા ભટ્ટની હત્યા સંબંધિત કેસની તપાસના ભાગરૂપે પાડવામાં આવ્યા છે.
સરલા ભટ્ટ દુષ્કર્મ બાદ હત્યા કેસમાં કાર્યવાહી
સરલા ભટ્ટ દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાની રહેવાસી હતી અને તે શેરે કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ સૌરા શ્રીનગર નગરમાં નર્સ તરીકે કાર્યરત હતી. એપ્રિલ 1990માં, જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)ના આતંકવાદીઓ દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. આતંકવાદીઓએ તેના પર ઘણા દિવસો સુધી સામૂહિક દુષ્કર્મ કર્યું અને બાદમાં તેની હત્યા કરી મૃતદેહ શ્રીનગરના ડાઉનટાઉન વિસ્તારમાં રસ્તાના કિનારે ફેંકી દેવામાં આવ્યો હતો.
યાસીન મલિકના ઘર પર દરોડા
આ કેસ મામલે દરોડાની કાર્યવાહી લિબરેશન ફ્રન્ટના 9 પૂર્વ કમાન્ડરોના ઘરો પર કરવામાં આવી છે, જેમાં કુખ્યાત આતંકવાદી મોહમ્મદ યાસીન મલિકનું ઘર પણ શામેલ છે. યાસીન મલિક હાલમાં તિહાર જેલમાં બંધ છે. આ કાર્યવાહી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધના મોટા અભિયાનનો એક ભાગ છે.
