UN World Map Resolution: સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) દ્વારા વિશ્વના નકશામાં વધુ સચોટ નિરૂપણ કરવાને પ્રોત્સાહન આપતો એક પ્રસ્તાવ કરવામાં આવ્યો છે, જેમાં ભારતે તરફેણમાં મતદાન કર્યું છે. જોકે, નવી દિલ્હીથી ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે, દેશનું સમર્થન માત્ર 'સમાન-ક્ષેત્રફળ ધરાવતા નકશા પ્રક્ષેપણ' (equal-area map projections) ના સિદ્ધાંત પૂરતું જ મર્યાદિત હતું. તેનો અર્થ કોઈ ચોક્કસ નકશાને માન્યતા આપવી કે ભારતના પ્રદેશના નિરૂપણની પદ્ધતિમાં ફેરફાર કરવો એવો થતો નથી.
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ અંગે ભારતની ચેતવણી
ભારતના વિદેશ મંત્રાલયે (MEA) જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ અંગે કડક સ્પષ્ટતા કરતા કહ્યું કે, આ વિસ્તારોને ભારતના સત્તાવાર નકશા મુજબ જ દર્શાવવા અનિવાર્ય છે. વિદેશ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશો સહિત ભારતનું સાર્વભૌમ ક્ષેત્ર દેશના સત્તાવાર નકશા અનુસાર જ પ્રદર્શિત થવું જોઈએ, અને કોઈપણ અચોક્કસ અથવા ભ્રામક રજૂઆત તદ્દન "અસ્વીકાર્ય" છે. ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા અંગેનું વલણ સ્પષ્ટ, સુસંગત અને બિન-વાટાઘાટપાત્ર (non-negotiable) છે.
શું છે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનો આ નવો પ્રસ્તાવ?
વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, UN જનરલ એસેમ્બલીએ 4 સપ્ટેમ્બરના રોજ "Correct the Map: Rebalancing Global Cartographic Representation and Promoting Equitable Representation of the World’s Regions, Particularly Africa" શીર્ષક ધરાવતો પ્રસ્તાવ સ્વીકાર્યો હતો. યુએન જનરલ એસેમ્બલી દ્વારા શુક્રવારે 164 વિરુદ્ધ 1 મતોથી આ પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો હતો.
આ પ્રસ્તાવનો મુખ્ય હેતુ પરંપરાગત પ્રણાલીઓ જેમ કે મર્કેટર પ્રક્ષેપણ - Mercator projection સાથે સંકળાયેલી ભૌગોલિક વિકૃતિઓને સુધારવા માટે સમાન-વિસ્તારના નકશા પ્રક્ષેપણના ઉપયોગને પ્રોત્સાહિત કરવાનો છે, જે ખંડોના વાસ્તવિક સાપેક્ષ કદને જાળવી રાખવામાં મદદ કરે છે. આ ઠરાવ કોઈ રાજકીય નકશાશાસ્ત્ર, આંતરરાષ્ટ્રીય સરહદો, વિવાદિત પ્રદેશ કે સ્થળોના નામ સાથે સંબંધ ધરાવતો નથી.
નકશાની ટેકનોલોજી તટસ્થ રહેવી જોઈએ: ભારત
UN ખાતે ભારતીય નિવેદન રજૂ કરતા રાજદ્વારી રઘુ પુરીએ જણાવ્યું કે, ભારતનું સમર્થન માત્ર સમાન-વિસ્તારના અભિગમોના વ્યાપક ઉપયોગ માટે છે, જે વિવિધ પ્રદેશોના કદનું સચોટ પ્રતિનિધિત્વ પૂરું પાડે છે. આ સમર્થન કોઈ ચોક્કસ Equal Earth મોડેલ કે અન્ય કોઈ ખાસ નકશા પ્રક્ષેપણની તરફેણ કરતું નથી. ભારતે ભારપૂર્વક જણાવ્યું કે, આ પ્રસ્તાવ તકનીકી અને પદ્ધતિસરની દ્રષ્ટિએ તટસ્થ રહેવો જોઈએ અને વિવિધ દેશો, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ નકશાકારોને તેમની ચોક્કસ જરૂરિયાત અનુસાર નકશા પ્રક્ષેપણ પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા હોવી જોઈએ.
